<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

સુરતમાં 23 વર્ષીય શિક્ષિકાનું શરમજનક કૃત્ય : 11 વર્ષનો વિદ્યાર્થી ભગાડી લઈ ગઈ

પૂણા વિસ્તારમાંથી 23 વર્ષીય શિક્ષિકા બાળક સાથે ફરાર : પોલીસે રેલવે સ્ટેશનના CCTVની તપાસ શરૂ કરી

સુરત, 28 એપ્રિલ 2025: સુરતના પૂણા વિસ્તારમાં એક આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 23 વર્ષની એક શિક્ષિકાએ તેના 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી લઈ જતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાના CCTV ફૂટેજમાં શિક્ષિકા બાળકને લઈ જતી દેખાઈ છે. સુરત પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે, જ્યારે બાળકના પરિવારજનો આઘાતમાં છે. શિક્ષિકાએ રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દેતાં પોલીસ માટે શોધખોળ વધુ પડકારજનક બની છે.

ઘટનાની વિગતો અને પોલીસ તપાસ:
મળેલી માહિતી અનુસાર, 25 એપ્રિલના રોજ બપોરે પૂણા વિસ્તારમાં રહેતો પાંચમા ધોરણનો 11 વર્ષનો વિદ્યાર્થી ઘર બહાર રમતો હતો ત્યારે અચાનક ગાયબ થયો. બાળકના પરિવારજનોએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા બાદ ચોંકાવનારો ખુલાસો થયો કે, બાળકને તેની 23 વર્ષની શિક્ષિકા લઈ ગઈ છે. આ શિક્ષિકા બાળકને ત્રણ વર્ષથી ટ્યૂશન આપતી હતી અને શાળામાં તેની વર્ગ શિક્ષિકા તરીકે પણ કામ કરી ચૂકી છે. બંને એક જ વિસ્તારમાં રહે છે, જેના કારણે પરિવારને શિક્ષિકા પર સંપૂર્ણ વિશ્વાસ હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, શિક્ષિકા બાળકને લઈને સાંજે 5 વાગ્યે સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી. ત્યાંથી તેણે પોતાનો ફોન બંધ કર્યો અને બાળક સાથે ટ્રેનમાં બેસીને રવાના થઈ ગઈ. પોલીસને એવી પણ માહિતી મળી છે કે, શિક્ષિકાએ ‘મેક માય ટ્રિપ’ દ્વારા ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવ્યું હતું. CCTV ફૂટેજમાં શિક્ષિકા કપડાંથી ભરેલી બેગ સાથે જોવા મળી, જ્યારે બાળક પાસે કોઈ સામાન નહોતો. એક દિવસ અગાઉ પણ શિક્ષિકા આ બેગ સાથે ઘરેથી નીકળતી જોવા મળી હતી, જેના આધારે પોલીસનું અનુમાન છે કે આ ઘટના આયોજનબદ્ધ હોઈ શકે.

(9:31 AM IST)