News of Monday, 28th April 2025
અમદાવાદ ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની અટકાયત બાદ વીજ જોડાણ કટ કરવાની કાર્યવાહી
વીજ જોડાણ કાપવાની કામગીરી માટે ટોરેન્ટ પાવર દ્વારા 5 જેટલી ટીમ બનાવાઈ :ગેરકાયદે વીજ જોડાણ કટ કરવા પહોંચેલી ટીમ સાથે સ્થાનિક પોલીસ બંદોબસ્ત

અમદાવાદ : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને દેશ નિકાલ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં પણ દરેક શહેરમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે રહેતા લોકોને શોધીને તેમના દેશ પરત મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓના ઘરના ગેરકાયદે વીજ જોડાણ કટ કરવાની શરૂઆત કરાઈ છે.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ચંડોળા તળાવ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશીઓ ગેરકાયદે રીતે રહેતા હતા. તેમની અટકાયત કરવામાં આવ્યા બાદ હવે વીજ કનેક્શન કટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટોરેન્ટ પાવર દ્વારા 5 જેટલી ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે. ગેરકાયદે વીજ જોડાણ કટ કરવા પહોંચેલી ટીમ સાથે સ્થાનિક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
નોંધનીય છેકે, 25 એપ્રિલથી અમદાવાદ પોલીસની વિવિધ ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે સવાર સુધીમાં ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી 890 જેટલા ગેરકાયદે રીતે રહેતા લોકોની અટકાયત કરાઈ છે. અટકાયત કરવામાં આવેલા લોકોને દોરડા વડે કોર્ડન કરવામાં આવ્યા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
