<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં બે અંગદાન : ૧૦ જરૂરિયાતમંદોને મળશે નવું જીવન

બે દિવસમાં ૧૧ અંગોનું દાન મળતા સિવિલ હોસ્પિટલે માનવતાની મહેક ફેલાવી : ૧૯૦ અંગદાતાઓ થકી ૬૦૭ લોકોને અત્યાર સુધીમાં મળ્યું જીવનદાન

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની વણથંભી યાત્રામાં વધુ બે દિવસમાં બે સફળ અંગદાન થયા છે. આ ૪૮ કલાકમાં થયેલા બે અંગદાનથી હોસ્પિટલને કુલ ૧૧ અંગોનું દાન પ્રાપ્ત થયું છે, જેના થકી ૧૦ જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળશે. ઝારખંડના ૩૦ વર્ષીય અનિલભાઈ મારંડી અને બનાસકાંઠાના વિરમપુર ગામના ભરમાભાઈ ડીગુંઇચાના પરિજનોએ બ્રેઈનડેડ જાહેર થયા બાદ અંગદાનનો ઉમદા નિર્ણય લઈને માનવતાની મિશાલ પ્રગટાવી છે.
અનિલભાઈ મારંડી કડી નજીક રોડ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પામ્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ૨૫-૦૪-૨૦૨૫ના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના પરિજનોને અંગદાનની સમજ આપતા તેઓએ એક લીવર, બે કિડની, બે ફેફસાં અને એક સ્વાદુપિંડનું દાન કર્યું હતું. આ અંગદાનથી વસુધૈવ કુટુંબકમની ભાવના સાકાર થઈ છે.
બીજી તરફ, બનાસકાંઠાના ભરમાભાઈ ડીગુંઇચા ૨૩-૦૪-૨૦૨૫ના રોજ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ પાલનપુરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ૨૭-૦૪-૨૦૨૫ના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ તેમના પરિજનોએ પણ અંગદાનનો પરોપકારી નિર્ણય લીધો. ભરમાભાઈના અંગદાનથી ચાર કિડની, બે લીવર અને બે સ્વાદુપિંડ પ્રાપ્ત થયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી અંગદાનના સેવાયજ્ઞમાં અવિરતપણે કાર્યરત છે. અત્યાર સુધીમાં ૧૯૦ અંગદાતાઓએ આપેલા ૬૨૬ અંગોના માધ્યમથી ૬૦૭ જેટલા જરૂરિયાતમંદોના જીવનમાં આશાનું કિરણ લાવવામાં આવ્યું છે. આ બંને અંગદાનથી મળેલા અંગોને સિવિલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે, જ્યારે અનિલભાઈના બે ફેફસાં હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલના દર્દીમાં પ્રત્યારોપણ કરાશે. આમ, આ અંગદાનથી કુલ ૧૦ લોકોનું જીવન બચાવી શકાશે.
ડૉ. જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં ૧૬૬ લીવર, ૩૪૬ કિડની, ૧૩ સ્વાદુપિંડ, ૬૧ હૃદય, ૩૨ ફેફસાં, ૬ હાથ અને ૨ નાના આંતરડાનું દાન મળ્યું છે. આ ઉપરાંત સ્કીન બેંકને ૧૨ જેટલી ચામડીનું દાન પણ મળ્યું છે. આ ૧૯૦ અંગદાતાઓના કારણે ૬૦૭ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.

 

(4:42 PM IST)