<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

કુબેર ભંડારી મહાદેવ મંદિર ફરી વિવાદમાં સપડાયું

મહંતે સરકારને કર્યો અનુરોધઃશ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટ એ/૬૮૬ નંબરનો હુકમ કરવામાં આવતા વધુ એક વિવાદનો મધપૂડો છંછેડાયો

વડોદરા:વડોદરાના ડભોઈ તાલુકાનું શ્રી કુબેર ભંડાર મહાદેવ મંદિર ફરી વિવાદમાં જોવા મળ્યું. ડભોઇમાં નર્મદા કિનારના તીર્થક્ષેત્ર કરનાળીમાં આવેલું જગ પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર છેલ્લા એક માસ થી પુનઃ વિવાદના વંટોળમાં સપડાયુ છે. કુબેર મંદિર ટ્રસ્ટી મંડળના અંદરો અંદરના મતભેદ અને મનભેદની વચ્ચે ગત ૨૮ માર્ચના રોજ અમાસની આગલી રાત્રે મંદિરમાં પરંપરાગત રીતે પૂજા કરતા પૂજારીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા. એક માસના સમયગાળા બાદ પણ આ મામલો કોઈ નિરાકારણ આવ્યું ન હતું. કુબેર ભંડારી મહાદેવ મંદિર વિવાદમાં

ડભોઈના કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં પૂજારીઓના ચાલતા વિવાદ વચ્ચે શનિવારના રોજ ચેરીટી કમિશનર દ્વારા શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટ એ/૬૮૬ નંબરનો હુકમ કરવામાં આવતા વધુ એક વિવાદનો મધપૂડો છંછેડાયો. ચેરિટી કમિશનર કચેરીના રોનક ઠાકોર સહિતના કર્મચારીઓ, ડભોઇના ડીવાએસપી આકાશ પટેલ, ચાંદોદ પોલીસ સ્ટેશનના પીઆઇ એલબી તડવી સહિતના અધિકારીઓ વચ્ચે ચાંદોદ પોલીસ સ્ટેશનમાં આ મામલે ચાર કલાક બેઠક અને વાતાઘાટોનો દોર શરૃ થયો હતો. અંતે સાંજે ૫ કલાકે ચેરિટી કચેરીના કર્મચારીઓ દ્વારા હુકમની બજવણી કરવામાં આવી હતી. આ હુકમ અંતર્ગત નિરંજની પંચાયતી અખાડાની દાન પેટીઓ દૂર કરી ચેરીટી કચેરી દ્વારા અગાઉ સીલ કરાયેલી ૨૪ જેટલી જૂની દાન પેટીઓ મંદિરમાં પરત મૂકવાની કામગીરી સાથે ગત મહિને મંદિરમાંથી દૂર કરાયેલા વંશ પરંપરાગત પૂજારીઓને પુનઃ મંદિરમાં પોતાના હક અને અધિકારો સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ચેરિટી કમિશનરના હુકમને લઈ કોઈ પ્રકારની તંગદીલી ઉભી ન થાય તે માટે કરનાળી મંદિર સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું જોકે ચેરિટી કમિશનર દ્વારા કરાયેલા હુકમમાં ક્યાંય પણ સર્વે નંબર દર્શાવ્યો ના હોવાથી ટ્રસ્ટી મહંત દિનેશગીરીજીએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

કુબેરના મંદિરના ટ્રસ્ટી અને મહંત દિનેશ ગીરીએ કહ્યું કે આ સર્વે નંબર પરનો વિવાદ છે. આ મંદિર જ્યાં છે ત્યાં નિરજંની પંચાયતી અખાડાાન સ્થાનને લઈને વિવાદ છે. કુબેર મંદિર જ્યાં છે તે નકશામાં કયાંય તેનું સ્થાન બતાવવામાં આવ્યુ નથી.

વધુમાં તેમણે સંદેશ સાથેની વાતચીતમાં કહ્યું કે હું સરકારને અનુરોધ કરું છું કે  કુબેરના મંદિરને લઈને સ્પષ્ટ ઓર્ડર કરવામાં આવે. સરકાર તરફથી જમીન મામલે આવતા ઓર્ડરને લઈને સમાજમાં ભ્રાંતિ ફેલાય છે.

જે સર્વે નંબર છે તેમાં કુબેર મંદિર આવેલુ છે તેમાં પંચાયતી અખાડાનો ઉલ્લેખ કરાયો છે. જયારે ચેરિટી કમિશ્નર દ્વારા કરવામાં આવેલ હુકમમાં ફક્ત પૂજારીઓને પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. આમ સરકાર તરફથી કરવામાં આવેલ આ હુકમને લઈને કુબેર મંદિર ફરી વિવાદમાં આવ્યું છે.

 

 

(9:25 PM IST)