News of Wednesday, 30th April 2025
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા દલાલે દેવું વધી જતા આપઘાત કર્યો : તાપી નદીમાં ઝંપલાવ્યું
બોટદના ગઢડા તાલુકાના ખોપાળા ગામના વતની અને હાલ સુરતના મનીષભાઈ ગાબાણીએ હીરાની મંદીમાં દેવું વધી જતાં માંડવીના બૌધાન ગામે તાપી નદીના પુલ પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા દલાલે આપઘાત કર્યો છે, હીરાની મંદીમાં દેવું વધી જતાં માંડવી તાલુકાના બૌધાન ગામે તાપી નદીના પુલ પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મુળ બોટદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામના વતની અને હાલ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી જવેલ રેસિડેન્સીમાં રહેતા મનીષભાઈ જીવરાજભાઈ ગાબાણી (ઉ.વ.46) હીરાદલાલીનું કામ કરતા હતા. તેમણે મંગળવારે બપોરના સમયે માંડવી તાલુકાના બૌધાન ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં કુદી પડ્યા હતા. સ્થાનિકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તાપીમાંથી બહાર કાઢ્યા ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું.
મનીષભાઈના પેન્ટના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડને આધારે તેમની ઓળખ થઈ હતી અને પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. મનીષભાઈ હીરાદલાલીનું કામ કરતા હતા અને હાલમાં હીરા વ્યવસાયમાં મંદીનો માહોલ હોય તેમના માથે દેવું વધી જતાં તેમણે નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી હોવાનું અનુમાન છે. પોલીસે પરિવારજનોના નિવેદનો લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
