<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

અમદાવાદ મેટ્રો સ્ટેશન પર મુસાફર ભૂલી ગયા ૪.૫૯ લાખની રોકડ ભરેલી બેગ : સતર્ક સ્ટાફે સલામત પરત કરી

સુરક્ષા ટીમ અને સ્ટાફની ત્વરિત કાર્યવાહીથી મુસાફરને તેમનો કિંમતી સામાન સલામત રીતે પરત મળ્યો

અમદાવાદ: તારીખ ૩૦/૦૪/૨૦૨૫ ના રોજ સવારે આશરે ૦૯:૩૫ કલાકે એક મુસાફર અમદાવાદના મેટ્રો સ્ટેશન પર પોતાની રૂપિયા ૪,૫૯,૦૦૦ ની રોકડ રકમ ભરેલી બેગ ભૂલી ગયા હતા. સ્ટેશન પર હાજર સુરક્ષા ટીમ અને સ્ટાફની સતર્ક નજરને કારણે આ બેગને તાત્કાલિક નોંધવામાં આવી હતી. SRP દ્વારા યોગ્ય તપાસ કર્યા બાદ બેગમાં રહેલી રોકડ રકમની પુષ્ટિ કરવામાં આવી હતી.
મેટ્રો સ્ટાફ દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે મૂળ માલિક તેમની બેગ પરત લેવા માટે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે સ્ટેશન કંટ્રોલરની હાજરીમાં તેમની ઓળખ અને બેગની વિગતોની જરૂરી ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી બાદ બેગ અને તેની અંદર રહેલી રોકડ રકમ તેમને સલામત રીતે પરત સોંપવામાં આવી હતી.
પોતાનો કિંમતી સામાન પાછો મળતાં મુસાફર અત્યંત ભાવુક થઈ ગયા હતા અને મેટ્રો સ્ટાફની ઈમાનદારી તેમજ તેમની ઝડપી અને અસરકારક કામગીરી માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મેટ્રો સ્ટાફનો આભાર માનતો એક ઇમેઇલ પણ મોકલીને તેમની કામગીરીને બિરદાવી હતી.

 

(7:33 PM IST)