તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 30th April 2025
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો :સ્પર્મવ્હેલની એમ્બરગ્રીસ વેચવાના નેટવર્કનો પર્દાફાશ: 4 શખ્સની ધરપકડ, 2.90 કરોડનો મુદ્દામાલ જપ્ત
સ્પર્મવ્હેલની ઉલ્ટી લઈને સુરતમાંથી અમદાવાદ આવીને વેચાણ પ્રયાસ કરતા શખ્શને ઝડપી સુરતમાં દરોડો પાડ્યો : ઉસમાન શેખના ઘરે પરથી મોટો જથ્થો 2.904 કિગ્રા એમ્બરગ્રીસ મળ્યો

અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાંચે સપાટો બોલાવ્યો છે, આંતરરાજ્ય કાળાબજારના જથ્થાને ઝડપી પાડી દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે 2.904 કિલોગ્રામ "એમ્બરગ્રીસ" જેને સામાન્ય ભાષામાં સ્પર્મવ્હેલ માછલીની ઉલ્ટી કહે છેસાથે ચાર શખ્શોની ધરપકડ કરી છે. આ પ્રતિબંધિત અને દુર્લભ પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ હોય છે અને તેની કિંમત રૂપિયા 2 કરોડ 90 લાખથી વધુ આંકવામાં આવી છે.
આમીર મનસુરી નામનો ઈસમ સ્પર્મવ્હેલની ઉલ્ટી લઈને સુરતમાંથી અમદાવાદ આવીને તેનો વેચાણ પ્રયાસ કરી રહ્યો હતો. ક્રાઈમ બ્રાંચે તે અંગે માહિતી મેળવી તાત્કાલિક કાર્યવાહી કરતાં આમીરને પકડી પાડ્યો હતો. તેની પાસેથી મળેલા મોબાઇલમાં એમ્બરગ્રીસના વિડીયો મળતા, તપાસનો ધોરવો સુરત સુધી પહોંચ્યો. પછી એક ટીમે સુરત શહેર ખાતે રેડ પાડતાં ઉસમાન શેખના ઘરે પરથી મોટો જથ્થો 2.904 કિગ્રા એમ્બરગ્રીસ મળી આવ્યો.
ધરપકડ દરમિયાન પકડાયેલા અન્ય ઈસમોમાં સહાદતઅલી ઉર્ફે બાબુ, મોહમદ હનીફ અને આમીર મનસુરીનો સમાવેશ થાય છે. ચારેયની સામે તસ્કરી અને વન્યપ્રાણી સંરક્ષણ કાયદાની તજવીજ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.એમ્બરગ્રીસ વૈશ્વિક સ્તરે મોંઘા પર્ફ્યુમ તથા દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે. વિલુપ્ત પ્રાણીના શરીરથી મળતો હોવાથી તેના વેચાણ પર ભારતમાં કાયદેસર પ્રતિબંધ છે. ક્રાઈમ બ્રાંચે આગળની તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ અન્ય ભેજાબાજોની શોધખોળ કરવામાં આવી રહી છે જેથી આવાં કૃત્યો પર રોક લગાવી શકાય.
આ પદાર્થને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં 'ગ્રે અંબર' થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે.
એમ્બરગ્રીસ વ્હેલ માછલીના શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે છે તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે, જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે, ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જો કે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
