News of Thursday, 1st May 2025
ચાર દાયકા બાદ ખંભાતનો દરિયો પાછો શહેર તરફ વળ્યો :પાણીની લહેરોએ કિનારે ઉભેલા લોકોને પણ ભીંજવી દીધા
દરિયો ફરી સક્રિય બન્યો : લગભગ 7 કિલોમીટર દૂર જતો રહેલો દરિયો હવે માત્ર 700-800 મીટર દૂર પહોંચ્યો

ખંભાત: વર્ષો બાદ ખંભાતનો દરિયો પાછો શહેર તરફ વળ્યો છે. જેની અસર દરિયા કિનારે જોવા મળી છે. અખાત્રીજના ખંભાતના દરિયામાં ભારે ભરતી જોવા મળી હતી. જ્યારે ઉછળતા મોજા કિનારા સુધી આવી જતાં લોકોની ભારે ભીડ દરિયા કિનારે જોવા મળી હતી. દરિયા કિનારે પાણીની લહેરોએ કિનારે ઉભેલા લોકોને પણ ભીંજવી દીધા હતા.
આણંદ જિલ્લાના ખંભાતમાં દરિયાએ પોતાના સીમાડા વધાર્યા છે અને શહેર તરફ આગળ ધસી રહ્યો છે. લગભગ 40 વર્ષ પહેલા દૂર ગયેલો દરિયો હવે ફરીથી શહેર તરફ આગળ વધી રહ્યો છે. દરિયાનું પાણી આગળ વધતા કાંઠા વિસ્તારોના ગામડાઓમાં જમીનનું ધોવાણ થવા લાગ્યું છે. આટલા વર્ષો પછી ફરીથી ભૌગોલિક સ્થિતિ બદલવા લાગી છે.
એક સમયે ખંભાત વૈશ્વિક બંદર તરીકે આગવી ઓળખ ધરાવતું હતું. લગભગ 70થી વધુ દેશના વાવટા ફરકાતા જોવા મળતા હતા. પરંતુ વર્ષો પહેલા લગભગ 7 કિલોમીટર જેટલું શહેરથી દૂર જતો રહેલો દરિયો પાછો ફર્યો છે. આ દરિયો હવે લગભગ 40 વર્ષથી શહેર બાજુ ઘસી રહ્યો છે. સેંકડો દૂર જતો રહેલો દરિયો હવે માત્ર 700-800 મીટર દૂર આવી ગયો છે. આવામાં ભરતી સમયે દરિયા કિનારે લહેરોની થપાટો પાછી જોવા મળી રહી છે. દરિયા કિનારે લહેરો લોકોને ભીંજવી રહી છે.
ગ્લોબલ વોર્મિંગની અસરના ભાગરૂપે દરિયા પાછો શહેર તરફ ઘસી રહ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. પરંતુ તેના લીધે સ્થાનિકોની મુશ્કેલી વધતી જણાઈ રહી છે. કેમ કે, તેના લીધે જમીનના ધોવાણનો પ્રશ્ન ઉભો થયો છે
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
