<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

સમાજ પર પ્રભાવ પાડતા લોકો નશામુક્તિ અભિયાનમાં જોડાય તે સમયની માંગ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગની શુભેચ્છા મુલાકાત, 'નશામુક્ત ગુજરાત' અંગે ગહન ચિંતન, યુવા પેઢીને બચાવવા સઘન પ્રયાસોની ખાતરી

ગાંધીનગર: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગે આજે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે 'નશામુક્ત ગુજરાત' અભિયાન અંગે અનુરાગ ગર્ગ સાથે વિસ્તૃત ચર્ચા અને ગહન ચિંતન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે જેમણે નશાની ખરાબ લત છોડીને એક આદર્શ જીવન જીવવાનું શરૂ કર્યું છે તેવા લોકોને સમાજ સમક્ષ લાવવા જોઈએ, જેથી અન્ય લોકો પણ પ્રેરણા લઈ શકે. આ ઉપરાંત, સમાજના અગ્રણીઓ, મહાનુભાવો, કલાકારો, અભિનેતાઓ, લોકકલાકારો અને ધર્મગુરુઓ જેવા સમાજ પર વિશેષ પ્રભાવ ધરાવતા લોકોએ પણ આ નશામુક્તિ અભિયાનમાં સક્રિયપણે સહભાગી થવું જોઈએ.
રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યની યુવા પેઢીને નશાના દુષણથી બચાવવા માટે રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે ટૂંક સમયમાં વિચાર-વિમર્શ કરવામાં આવશે અને યુવા પેઢીને નશામુક્ત બનાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેમણે નશીલા પદાર્થોનું સેવન કરતા યુવાનોને પરિવાર, સમાજ અને દેશ માટે બિનઉપયોગી ગણાવ્યા હતા અને યુવા પેઢીને પરિવાર, સમાજ તેમજ દેશના હિતમાં નશાનો ત્યાગ કરવા માટે હૃદયપૂર્વક અપીલ કરી હતી.
આ પ્રસંગે અનુરાગ ગર્ગએ રાજ્યપાલને વિનંતી કરતાં જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવતા કેસોમાં ઝડપી સજા થાય તે માટે રાજ્ય સ્તરે અમદાવાદ ખાતે એક ડેઝિગ્નેટેડ કોર્ટ શરૂ કરવામાં આવે તો નશાનો ગેરકાયદેસર વેપાર કરનારા લોકોને તાત્કાલિક સજા આપી શકાય તેમ છે. રાજ્યપાલે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

(2:56 PM IST)