<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ગોંડલ કોઇની જાગીર નથી,જ્યારે ઇચ્છા થશે ત્યારે જઇશું, એક કારનો કાંચ તો ઠીક કાર્યકરની કોલર પણ ન પકડી શકે એવી તૈયારી હશે, ત્યાં કેવા કેવા પ્રકારના બે નંબરના ધંધા અને જોહુકમી ચાલે છે તે પુરાવા સાથે જણાવીશું : અલ્પેશ કથીરિયાનો હુંકાર

આ લડત કોઇ વ્યક્તિ માટે નથી. કોઇ વ્યક્તિની સામે પણ નથી. આ લડાઇ કોઇ સમાજ માટે પણ નથી અને કોઇ સમાજની સામે પણ નથી. આ લડાઇ કોઇ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી

સુરત તા.૧:  સુરતમાં સમસ્ત કથીરિયા પરિવાર દ્વારા આયોજીત સન્માન સમારોહ કાર્યક્રમમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ ફરી હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગોંડલ કોઇની જાગીર નથી. ત્યાં અમે જઇશું. જ્યારે ઇચ્છા થશે ત્યારે જઇશું. હવે જ્યારે જઇશું ત્યારે સંપૂર્ણ તૈયારી સાથે જવાના છીએ. એક કારનો કાંચ તો ઠીક કાર્યકરની કોલર પણ ન પકડી શકે એવી તૈયારી હશે. આવાનારા સમયમાં અમે ત્યાં કેવા કેવા પ્રકારના બે નંબરના ધંધા અને જોહુકમી ચાલે છે તે પુરાવા સાથે જણાવીશું.

અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, કથીરિયા પરિવારે જે પરિવારના દીકરા તરીકે માનસન્માન આપી, ખાસ કાર્યક્રમમાં સન્માન થતાં હોય. પરંતુ ઘરમાં જ યુવાનનું સન્માન થાય એ આનંદ થાય છે. આ કોઇ વ્યક્તિનું કે મારું સન્માન નથી. આ આખા સમાજનું, 18 વરણનું અને અમારી સાથે આવેલી આખી ટીમનું સન્માન છે. આજના સમયમાં આપણને આપણી સોસાયટીમાં કોઇને ત્યાં જોવાનો સમય નથી તેવી ભાગદોડભરી જિંદગી છે. આ જિંદગીમાં પણ કામ, ધંધો, સુરક્ષાની પણ ચિંતા કર્યા વગર આ ખૂબ મજબૂતાઇથી ગોંડલમાં લડી છે. આ લડત કોઇ વ્યક્તિ માટે નથી. કોઇ વ્યક્તિની સામે પણ નથી. આ લડાઇ કોઇ સમાજ માટે પણ નથી અને કોઇ સમાજની સામે પણ નથી. આ લડાઇ કોઇ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી.

તેમણે કહ્યું કે, આ માત્ર એટલા માટે છે કે છેલ્લા 6 મહિનામાં પાંચ એવી ઘટના ઘટી. પાટીદાર સમાજના યુવકને માર માર્યો. કોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો. જાટ સમાજના યુવકનું મૃત્યુ થયું. આજે તેમના પિતાને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમા તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઇને તપાસ સોંપવામાં આવે. આવતી સાત તારીખે ફરી તેની સુનાવણી થવાની છે. ગોંડલ પંથકની અંદર તમે કોઇપણ વિસ્તારમાં જાવ તો ડર એટલો બધો પેસી ગયો છે.

કથીરિયાએ ઉમેર્યું હતું કે, આપણને તેના શાસન સામે, એ વ્યક્તિ સામે, એના પરિવાર સામે કોઇ વિરોધ નથી. લોકો મત આપે, ચૂંટાય, કયો પક્ષ મુબારક છે. તેનાથી મત આપનારા મતદાતાઓ પર જે જોહુકમી ચાલે છે. મને ઘણાએ પૂછ્યું કે, ગોંડલમાં એવું તો બધું શું જોહુકમી ચાલે છે. તમે કઇ રીતે બહાર લાવશો. હું દાવા સાથે કહું છું કે આવનારા દિવસોમાં ત્યાં શું શું જોહુકમી થાય છે તે પુરાવા સાથે આપવાના છીએ.

આ વિસ્તારમાં શું શું ચાલે છે. ક્યાં બે નંબરના ધંધા ચાલે છે. ક્યાં આઇડીના કનેક્શન ચાલે છે. ક્યાં ગેમલિંગ ચાલે છે. કોના ફાર્મમાં બાયો ડિઝલનો ધંધો થાય છે. કોને ત્યાં જીએસટીના બેનંબરના ટેક્સના ઇનવોઇસ બને છે. આવા તો અસંખ્ય ધંધા કુંટુબ પરિવાર કરે છે. એમાં કોઇને આમતેમ કંઇપણ થાય તો સીધું જ તેમની સાથે માર, ઘર્ષણ. તો આ બધી પ્રવૃત્તિ ન ચાલે.

ખુબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહે છે. અમીરો પણ ત્યાં રહે છે. 18 વરણ પણ ગોંડલમાં વસે છે. પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક સમાજ રાહ જોવે કે આ સમાજ શું કહેશે. તકલિફ દરેકને છે. અમારી લડાઇમાં, અમારી ગાડીમાં જે પણ લોકો હતા તેમાં બીજા સમાજના લોકો પણ હતા. અમે ગયા અને સમર્થનમાં જે લોકો આવ્યા તેમાં પણ ઘણા સમાજના લોકો હતા. આ કોઇ સમાજ કે વ્યક્તિની લડાઈ નથી.

જે ખેતર વાવવા આપે તો એ તમારી માલિકીનું ન થાય. ગોંડલમાં કોઇ આવી ન શકે. માતાના દૂધની વાત કરો. કયા હિસાબે તમે સંસ્કારની વાત કરો છો. કોઇ વ્યક્તિ તમારા માના દૂધ પણ આંગળી ચીંધે તો તેનો પ્રતિકાર હોય જ. પછી પક્ષ હોય, પાર્ટી હોય, સમાજ હોય બધુ સાઇડમાં. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે. કોઇ તમારા માતાને પડકારે કે ગાળો આપે તો એ કોઇ ન ખાય. ગોળી ખાઇ લે.

ગોંડલમાં પાટીદાર સમાજની સવા લાખની વસ્તી છતાં આજે એ સમાજની સાથે 18એ 18 સમાજને સહન કરવું પડે તો તેના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે. આ સમગ્ર ગોંડલ, તેના 84 ગામ માટેનો આ પ્રશ્ન છે. તમે શાસન કરો. રાજાશાહી હતી એ સમય જતો રહ્યો. અત્યારે લોકશાહી છે. કોઇ એમ કહે કે આ મારી જાગીર છે. તો એ જાગીર ક્યારેય ન હોય. એ જાગીરને પડકારનારા હજારો લોકો આ દૂનિયામાં છે.

અમે ગોંડલમાં ગયા. તેનાથી અમે લોકોને જગાડ્યા છીએ. ગમે તે માણસ હોય. ગામની વચ્ચે 50, 100, 200, 500 પોતાના પન્ટરો લઇ તમે સભામાં બોલો કે 30 વર્ષ અહીં હું જ છું અને મારો પરિવાર છે. તેવું ન થાય. અમે ગોંડલમાં વારે વારે જઇશું. જ્યારે અમને મજા પડશે. જ્યારે વેકેશન હશે, જ્યારે શનિ-રવિની રજા હશે ત્યારે અમને લાગશે કે ફરવા જવું છે ત્યારે અમે ગોંડલ જઇશું. ગોંડલ એ ગુજરાતનો ભાગ છે. આખા ગોંડલનો ચપ્પો ચપ્પો જાણીશું કે શું ઇતિહાસ છે. શું ભૂમિ છે. આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો ત્યાં દરેક માણસ ફરવાનો છે. હવે અમે જ્યારે જઇશું ત્યારે અમારી એક પણ ગાડીને નુકસાન નહીં થાય તેની હું ખાતરી આપું છું.

પહેલીવાર હોય સ્વાભાવિક છે કે આપણને સન્માન આપવામાં એ ઉણા ઉતરે પરંતુ આપણા તો સંસ્કાર છે. આપણે માન સન્માન આપવું. અમે જ્યારે બીજીવાર જઇશું ત્યારે એક કાર્યકરનો કોલર પકડવાની તાકાત ન કરે તેની પૂર્વ તૈયારી સાથે જવાના છીએ. એ જે દિવસો હતા તેમાં તેણે સાબીત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખ્ખાગીરી છે. એ દિવસે સવા પાંચસો અધિકારીઓનો બંદોબસ્ત હતો. આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં લુખ્ખી ટોળકી અને ભાડુઆતી જમાતો લઇ પોતાના કૃત્ય પાર પાડતા હોય ત્યારે જે માણસ લાચાર હોય, ગરીબીમાં જીવતો હોય, ક્યારેય બીચારો કંઇ બોલી નથી શકતો આવા માણસોની શું પીડા હશે. આટલી પોલીસ સાથે અમે ગયા છતાં તેમનો ખૌફ છે અમારો પ્રયાસ તેમનો ડર કાઢવાનો છે. ગોંડલમાં કંઇ કરવાની અમારી નીતિ કે કૂટનીતિ નથી. અમારું જ્યાં ખેતર છે ત્યાં સમય આવ્યે અમે ખેડી લઇશું. ગોંડલમાં ડર કઇ રીતે દૂર થાય એ માટેનો અમારો પ્રયાસ છે. આવનારા દિવસોમાં ઘણી બધી જગ્યાએ જઇશું.

(3:12 PM IST)