<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

૧ લી મે ગુજરાત સ્‍થાપના દિવસે ગુજરાત ગાથા

કોઇપણ રાષ્‍ટ્ર, સમાજની આગવી ઓળખ ઉભી કરવામાં, સમાજમાં સંસ્‍કારોનું સિંચન કરવામાં,એક પ્રકારની ખુમારી પ્રગટ કરવામાં લેખકો-કવિઓ, સાહિત્‍યકારોનો સિંહ ફાળો રહયો છે. આજે ૧ લી મેં ગુજરાત રાજયના સ્‍થાપના દિવસે આવો જાણીએ ગુજરાતના સ્‍વપ્‍ન શિલ્‍પી સાહિત્‍યકાર શ્રી ચંદ્રકાંત બક્ષીના વિચારો.

ભારત વર્ષની વિવિધ પ્રજાઓ વચ્‍ચે ગુજરાતી પ્રજાની એક આગવી ‘‘મહાજાતિ ગુજરાતી'' તરીકેની ઓળખ પ્રસ્‍થાપિત કરવા માટેનો તેમનો સંઘર્ષ કાબિલે તારીફ છે. એટલે તો તેઓ ગુજરાતની પ્રભુતાના પહેરેગીર'' કહેવાતા ગુજરાતી પ્રજા વિશે તેઓ લખે છે : પૈસા કમાવવો બનાવવો અને જીરવવો એ ત્રણેય આપણને આવડે છે. આપણે પૈસાની જેમ સાચવીએ છીએ. આપણો ગુજરાતી હાર્ડવેરની દુકાનમાં હોય કે સોફટવેરનું કામ કરતો હોય પરંતુ પોતાના ગામ માટે હંમેશા સોફટ કોર્નર ધરાવે છે, મોં માગ્‍યું દાન આપે છે, એ વતનને કદૂન સુધી ચાહી શકે છે. 

કાઠિયાવાડની વિશેષતા વિશે શ્રી બક્ષી લખે છે : વિશેષતા તો ઘણી છે પણ મને એક ધ્‍યાનાકર્ષક લાગી છે એ વે નિમક કે મીઠું ! કાઠિયાવાડમાં મીઠું છે હિન્‍દુસ્‍તાનના કુલ નિમક ઉત્‍પાદનમા઼ ૭૦ ટકા નિમક કાઠિયાવાડ પેદા કરે છે અને તેથી જ કાઠિયાવાડીએ, ‘નમકવાલા' હોય છે.''

તેઓ માનતા કે મહાજાતિ ગુજરાતીને પોતાનું એક આગવું ગીત હોવું જોઇએ જે દરેક ગુજરાતી ગાઇ શકે, ઝુમી શકે, નાચી શકે જે રીતે ઓસ્‍ટ્રેલીયાના જંગલના કવિ બેન્‍જો પેટરસને લખેલું ગીત ‘‘વોલ્‍ટઝીંટ મટિલ્‍ડા'' એકસો વર્ષથી ઓસ્‍ટ્રેલિયનો ગાય છે. ઝુમે છે, નાચે છે ઓસ્‍ટ્રેલીયના દરેક કાર્યક્રમમાં વોલ્‍ટઝીંટ મટિલ્‍ડા' ગવાય છે. એવું જ આપણું ઝવેરચંદ મેઘાણી રચિત ગીત ‘કસુંબીનો રંગ' એ આપણું ‘વોલ્‍ટઝીંટ મટિલ્‍ડા' છે લાલપમાં કાળાશ ઘુંટી હોય એવો આ કસુંબલ રંગનું ગીત આપણું ગુજરાતી ગીત હોવુ઼ જોઇએ અમેરીકામાં દરેક રાજયને પોતાનું પ્રાણી હોય છે. પક્ષી હોય છે.એમ ગુજરાતનું પ્રાણી એકી અવાજે સિંહ સિવાય બીજું કશું ન હોય શકે અને પક્ષી માટે ફેલેમીંગો- જે કચ્‍છના રણમાં ઇંડા મુકે છે, આ પક્ષી અહી જજો છે, ઉડતા શીખે છે અને મોટું થઇને ઊડી જાયછે, આમ ગુજરાતનું પક્ષી  ફલેમીંગો હોવું જોઇએ.

નાટક વિશે તેઓ માનતા : ગુજરાતી નાટકમાં એ દિવસ કયારે આવશે કે આપણા કાકને ટી-શીર્ટમાં અને મંજરીનો જીન્‍સમાં જોઇએ અને પાછળ ઇલેકટ્રીક ગીટાર વાગતું હોય ? અથવા મંજુલ મહેતા સુટ પહેરીને ટેબલ સામે ઉભા હોય અને દિવાલ પરના ગુજરાતના નકશાને જોતા હોય ! નાટકના મંચ ઉપર મંચન સમયે ટેબલ અને ખુરશી અને સોફો પણ જીવંત બની જાયછે.

આજથી રર વર્ષો પહેલા તેમણે લખેલઃ ઓસ્‍ટ્રેલીયામાં બધા જ પાણીના વપરાશ માટે મીટર્રો ગોઠવેલા છે, દરેક ઋતુ પ્રમાણે પાણીના ભાવ વઘ-ઘટ સરકાર તરફથી થતાં રહે છે. પ્રથમ રપ લીટર પાણી જે લઘુતમ જરૂરીયાત છે તે મફત મળે છે. બાકીના ભાવ તબકકાવાર વધતા જાય છે. આપણે ત્‍યાં પાણીના મીટરો હોવા જોઇએ (ઘણી જગ્‍યાએ પાણીના મીટરો ગોઠવાઇ રહયા છે) આપણે ૧૬૦૦ કિ.મી. થી વધારે દરિયા કિનારાનો વિકાસ કરવો જોઇએ.

હજુ પણ ગુજરાત ઘણું કરી શકે છે. દયાનંદ સરસ્‍વતીને ઉત્તર ભારત અને પંજાબે દેવતા બનાવી દીધા પણ આપણે ? સૌરાષ્‍ટ્રના હૃદય ઉપર આર્ડનન્‍સ ફેકટરી કરી શકાય, સૂરત પાસે ગોવા જેવુᅠં ટુરીઝમ સ્‍પોટ વિકસાવી શકાય વેસ્‍ટન રેલ્‍વેનો મહત્તમ ટ્રેક ગુજરાતમાં છે. તો પછી વડુ મથક ગુજરાતમાં કેમ નહી.? આપણી ગુજરાત સરકારની ગાડીઓ ઉપર ‘‘ગુજરાત સરકાર'' ગુજરાતીમાં શા માટે નહીં ?  

કોઇ વ્‍યકિત આજે સત્તા સ્‍થાને હશે, આવતી કાલે નહીં હોય પણ ગુજરાત કનૈયાલાલ મુન્‍શીની ભાષામાં એક ‘‘ઇતિહાસ પુરૂષ '' છે. પક્ષ-વિપક્ષ બધુ ગૌણ છે. ગુજરાતના ગૌરવનો પ્રશ્‍ન હોય ત્‍યારે બધાએ એક થઇને અન્‍યાયનો સામૂહીક પ્રતિકાર કરવો જોઇએ, જીવનશાષાનું એક નિતાંત સત્‍ય છેઃ કીડીઓ પણ  સાપને મારી શકે છે. (૩૬-પ)

જય જય ગ્‍લોબલ ગુજરાત..જય ભારત

સંકલનઃ

હરનેશ સોલંકી

મો. ૯૫૩૯૨ ૫૨૨૭૦

(3:25 PM IST)