News of Friday, 2nd May 2025
ગુરુ શિષ્યના સંબંધને કલંકિત કરતી ઘટના ૧૩ વર્ષના સગીર થકી શિક્ષિકા પ્રેગ્નન્ટ !
સુરતમાં સગીરને ભગાડી જનાર ૨૩ વર્ષની શિક્ષિકાના પ્રકરણમાં નવો ધડાકો : વિદ્યાર્થી ૧૨ વર્ષનો હતો ત્યારથી શોષણ કરતી, શિક્ષિકા ૧ દિવસના રિમાન્ડ પર

સુરત,તા.૦૨: પૂણામાં રહેતા અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા ૧૩ વર્ષીય વિદ્યાર્થીને તેની ૨૩ વર્ષીય ટયૂશન ક્રમ સ્કૂલ શિક્ષિકા માનસી નાઈ દ્વારા ભગાવી જઈ યૌનશોષણ કરવાના ચકચારી પ્રકરણમાં શિક્ષિકાને આ વિદ્યાર્થી થકી ૨૦ અઠવાડિયાનો ગર્ભ રહ્યો હોવાનું બહાર આવતાં સનસનાટી મચી છે. આ સગીર જ્યારે ૧૨ વર્ષનો હતો ત્યારથી શિક્ષિકા તેનું યૌનશોષણ કરતી હોઈ પોલીસે પોક્સોની કલમ ૪,૮,૬, અને ૧૨નો ઉમેરો કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
૨૫મી એપ્રિલે પૂણા વિસ્તારમાં રહેતાં ૧૩ વર્ષીય સગીરનું અપહરણ તેને ટયૂશન કરાવતી અને ધોરણ ચારમાં વર્ગ શિક્ષિકા રહેલી ૨૩ વર્ષીય માનસી નાઈ ભગાવી ગયાની ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી હતી. શરૂઆતમાં પારિવારીક કારણોસર આ શિક્ષિકા તેને લઇ ગઇ હોવાની વાતો વચ્ચે ૩૦મીએ જ્યારે આ સગીર સાથે જયપુરથી પરત ફરતી વખતે આ શિક્ષિકાને ચાલુ બસમાં શામળાજી બોર્ડર પાસેથી પકડવામાં આવી ત્યારે નવું ચિત્ર સામે આવ્યું હતું. છેલ્લાં એક વર્ષથી આ શિક્ષિકાએ સગીરને પોતાની જાળમાં ફસાવ્યો હોવાનું અને ત્રણ મહિનાથી શરીર સંબંધ હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસે જ્યારે આ શિક્ષિકાનો પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને ૨૦ અઠવાડિયાનો એટલે કે ચાર મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. આ શિક્ષિકા સગીર વિદ્યાર્થીનું ૧૨ વર્ષનો હતો ત્યારથી જ યૌનશોષણ કરતી હોવાનું પુરવાર થયું હતું. ૧૨ વર્ષીય સગીર થકી ૨૩ વર્ષીય શિક્ષિકા ગર્ભવતી હોવાનું બહાર આવતાં મામલામાં નવો વળાંક આવ્યો હતો.
પૂણા પોલીસ ઈન્સપેક્ટર વી.એમ. દેસાઈએ આ શિક્ષિકાને આજે કોર્ટમાં રજૂ કરી હતી. સગીર વિદ્યાર્થીનાં યૌનશોષણને મામલો હોઈ અપહરણ ઉપરાંત પોક્સોની કલમ ૪,૮,૬, અને ૧૨નો ઉમેરો કર્યો હતો. કોર્ટે આ શિક્ષિકાને એક દિવસના પોલીસ રિમાન્ડ પણ આપ્યા હતા. આ શિક્ષિકા વાસ્તવમાં કેટલાં સમયથી સગીરનું યૌનશોષણ કરતી હતી તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
