<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

કાલથી બુધવાર સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

દક્ષિણ પશ્ચિમી રાજસ્‍થાન તરફ સાયક્‍લોનિક સકર્યુલેશન અને વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે આ સ્‍થિતિ સર્જાઈ

અમદાવાદઃ ગુજરાતભરમાં હાલ ગરમી કહેર વર્તાવી રહી છે. લોકો ભારે ગરમીના કારણે પરેશાન થઈ ગયા છે. આવી પરિસ્‍થિતિ વચ્‍ચે હવામાન વિભાગે મે મહિનાના પહેલા સપ્તાહમાં ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરી છે. ગુજરાતમાં સતત પાંચ દિવસ અનેક વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્‍દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે હવામાન અંગેની આગાહી આપતા જણાવ્‍યું છે કે, દક્ષિણ પશ્ચિમી રાજસ્‍થાન તરફ સાયક્‍લોનિક સકર્યુલેશન અને વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. ગુજરાતમાં પાંચ દિવસ કેટલાક વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ત્રીજી મેના રોજ એટલે કે શનિવારે કચ્‍છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ રવિવારે, ચોથી મેના રોજ કચ્‍છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ.

સોમવારે, પાંચમી મેના રોજ કચ્‍છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ.

મંગળવારે, છઠ્ઠી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીરસોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ.

સાતમી મે એટલે કે બુધવારના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.

(1:22 PM IST)