<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા પૂર્ણ : 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો

સરકારની સુવિધાઓથી પરિક્રમાર્થીઓની સંખ્યામાં ચાર ગણો વધારો : 15 કિલોમીટરની પરિક્રમા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

ગાંધીનગર: ગુજરાતમાં દર વર્ષે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. આ વર્ષે નર્મદા જિલ્લામાં 29 માર્ચથી 27 એપ્રિલ દરમિયાન યોજાયેલી આ 15 કિલોમીટરની પરિક્રમામાં 9 લાખ 9 હજાર 900 જેટલા શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પરિક્રમાર્થીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. મુખ્યમંત્રીએ પોતે પરિક્રમા શરૂ થયાના આઠમા દિવસે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ‘આપકી શ્રદ્ધા, હમારી વ્યવસ્થા’નો મંત્ર આપ્યો હતો. જેના પરિણામે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ચાર ગણા વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો હતો. વર્ષ 2024માં માત્ર 2.50 લાખ લોકોએ જ પરિક્રમા કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પરિક્રમામાં ભાગ લીધો હતો અને તંત્ર તથા સ્થાનિકો દ્વારા કરાયેલી વ્યવસ્થાઓને બિરદાવી હતી.
પરિક્રમા માર્ગ અને ઘાટો બન્યા સુગમ:
રાજ્ય સરકારે રામપુર ઘાટથી શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ સુધીના 15 કિલોમીટરના પરિક્રમા માર્ગ અને ચારેય ઘાટો પર વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરી હતી, જેનાથી શ્રદ્ધાળુઓ માટે આ કઠિન ગણાતી પરિક્રમા પણ સરળ બની રહી. પરિક્રમા પહેલાં માર્ગનું સમારકામ, પ્રોટેક્શન વૉલ, બોટિંગ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરાઈ હતી અને યાત્રિકોએ 70 જેટલી બોટ દ્વારા પરિક્રમા પૂર્ણ કરી હતી.
સુરક્ષા અને વાહન વ્યવહારની ઉત્તમ વ્યવસ્થા:
પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ જવાનોનો મોટો કાફલો તહેનાત હતો. જિલ્લાના અધિકારીઓએ પણ અનેક રીતે સહાય કરી હતી. રેંગણ અને ભાદરવા ગામથી યાત્રિકો માટે જીએસઆરટીસીની 10 બસોની વ્યવસ્થા કરાઈ હતી. રામપુરા, તિલકવાડા અને સામરિયા ખાતે વિશાળ પાર્કિંગ સ્થળો બનાવાયા હતા અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસડીઆરએફની 6 ટીમો હાજર હતી.
પ્રાથમિક સુવિધાઓ સાથે હોલ્ડિંગ એરિયા:
યાત્રિકોની ભીડ એક જ જગ્યાએ ન થાય તે માટે તિલકવાડાથી રેંગણ વચ્ચે 5 અને રામપુરાથી શહેરાવ વચ્ચે 3 હોલ્ડિંગ એરિયા બનાવાયા હતા, જ્યાં પીવાનું પાણી, મંડપ, શૌચાલય, લાઈટ, પંખા, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ અને માહિતી કેન્દ્રો જેવી સુવિધાઓ ઉપલબ્ધ હતી. 100થી વધુ સફાઈ કામદારો દિવસ રાત સફાઈ કરતા હતા અને પૂરતા પ્રમાણમાં શૌચાલયોની વ્યવસ્થા કરાઈ હતી.
ધર્મસ્થળો પર ભીડ અને ટેમ્પલ ઇકોનોમીને વેગ:
પરિક્રમાની સાથે નર્મદા જિલ્લાના રણછોડરાય મંદિર, ધનેશ્વર મહાદેવ મંદિર, મંગલેશ્વર મહાદેવ મંદિર, તપોવન આશ્રમ જેવા પવિત્ર સ્થળો પર પણ ભક્તોની ભીડ ઉમટી હતી અને મંદિરોના ભંડારાનો લાભ લીધો હતો. હજારો પરિક્રમાર્થીઓએ મંદિરોની મુલાકાત લેતા નર્મદા જિલ્લાની ટેમ્પલ ઇકોનોમીને પણ વેગ મળ્યો હતો.
ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ પણ સમગ્ર પરિક્રમાની સમીક્ષા કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા ઉભી કરાયેલી સુવિધાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પરિક્રમાર્થીઓએ સુવિધાઓનો ભરપૂર લાભ લીધો છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાત-દિવસ પરિક્રમા ચાલુ રહેતી હોવાથી સમગ્ર માર્ગ અને ઘાટ પર લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી દ્વારા તમામ સંબંધિત અધિકારીઓનું વ્હોટ્સએપ ગ્રુપ બનાવી ક્રાઉડ મેનેજમેન્ટ પર સતત નજર રાખવામાં આવી હતી. ચારેય ઘાટ અને માર્ગ પર ફાયર સેફ્ટીની સુવિધા હતી અને આરોગ્ય સુવિધા માટે 8 મેડિકલ વાન સાથે 32 ટીમો કાર્યરત હતી. સ્વસહાય જૂથો દ્વારા ખાણી-પીણીના સ્ટોલ પણ ઊભા કરાયા હતા. યાત્રાધામ બોર્ડ દ્વારા તમામ ઘાટ પર મંડપ, ખુરશી, બેરિકેટિંગ, લાઈટિંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ, પીવાના પાણી, સીસીટીવી, ચેતવણી બોર્ડ, ડીજી સેટ, સાઈનેજીસ, પાર્કિંગ અને વૉચ ટાવર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા અને ઇમરજન્સી માટે મશીનરી પણ તૈનાત કરાઈ હતી.

 

(2:53 PM IST)