<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે ગેરકાયદે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામના માસ્ટર માઇન્ડને રાજસ્થાનથી ઝડપી લેવાયો

લલ્લા બિહાર ચંડોળામાં ગેરકાયદે રહેવા વ્યક્તિદીઠ ₹3 થી 3.50 લાખ રુપિયા વસૂલતો હતો. બોગસ આધાર કાર્ડ માટે ₹1.50 થી 2 લાખ રુપિયા વસૂલતો હતો : ચંડોળા ફાર્મ હાઉસમાંથી લેટર પેડ અને સહી સિક્કા પણ મળ્યા હોવાનો ખુલાસો થયો

અમદાવાદ તા.૨ : અમદાવાદમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમના ગેરકાયદે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આ સમગ્ર મુદ્દે ગેરકાયદે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો. મૂળ અમદાવાદના રહેવાસી લલ્લા બિહારીને ભારે જહેમત બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલાં 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહમ્મદની ધરપકડ કરી લેવામાં આવી છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ લલ્લા બિહારીને ઝડપી પાડવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, લલ્લા બિહારી કોઈ પ્રસંગમાં રાજસ્થાન ગયો હતો. આ માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ તે ત્યા ન હતો. જોકે, આ વિશે તપાસ કરતા બાદમાં તે પોલીસની પકડમાં આવી ગયો હતો. 

 

ઘુસણખોર કરાવનાર અને કુખ્યાત ભૂ-માફિયા લલ્લા બિહારીની પુછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. આજે ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની 4 પત્નીઓ અને તેની પુત્રવધુની પુછપરછ હાથ ધરી હતી. જેમાં પણ અનેક ખુલાસાઓ થયા હતા. ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની ચાર પત્નીઓના ઘર સહિત કુલ 5 સ્થળે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. જેમાં અનેક બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે.

દરોડામાં 9 લાખ રોકડા મળ્યા

ક્રાઈમ બ્રાન્ચના દરોડા દરમિયાન પોલીસને 9.50 લાખ રોકડ મળી આવી હતી. તેમજ સોનાના દાગીના અને રુપિયા ગણવાનું મસીન પણ મળી આવ્યું હતું. પોલીસ દ્વારા લલ્લા બિહારીની પત્નીઓ અને પુત્રવધુઓની પૂછપરછ હાથ ધરાઈ છે. જેમાં લલ્લા બિહારીના સંભવિત આશ્રયસ્થાનો વિશે પણ પૂછપરછ કરાઈ છે. પોલીસ દ્વારા લલ્લાના બેન્ક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરાઈ છે.

લલ્લા બિહારી કાળી કમાણી કરેલા રુપિયા પહેલી પત્નીના ઘરે રાખતો હતો. ચંડોળામાં ચાલતા ગેરકાયદે કામોમાંથી કરોડો રુપિયાની કમાણી થતી હતી. આ ઉપરાંત ગેરકાયદે દુકાન-મકાનના ભાડા, દેહ વ્યાપારમાંથી પણ અઢળક કમાણી કરી અન્ય ત્રણ પત્નીના ઘરે રુપિયા રાખતો હતો.

 

કાળી કમાણીનો થયો પર્દાફાશ !

લલ્લાની કાળી કમાણી પર નજર કરીએ તો લલ્લા બિહાર ચંડોળામાં ગેરકાયદે રહેવા વ્યક્તિદીઠ ₹3 થી 3.50 લાખ રુપિયા વસૂલતો હતો. બોગસ આધાર કાર્ડ માટે ₹1.50 થી 2 લાખ રુપિયા વસૂલતો હતો. ચંડોળામાં ગેરકાયદે વસવાટ માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવતો.ચંડોળા ફાર્મ હાઉસમાંથી લેટર પેડ અને સહી સિક્કા પણ મળ્યા હોવાનો ખુલાસો થયો છે.

ઝૂપડાંઓના માસિક ભાડા પેટે ₹5,000 રુપિયા વસૂલતો હતો. રિક્ષા અને વાહનોના પાર્કિંગના ₹20 થી 50 રુપિયા વસૂલતો હતો. ગેરકાયદે બોરના પાણી આપીને પણ દર મહિને કમાણી કરતો હતો. સૌથી મોટી કાળી કમાણી બાંગ્લાદેશી મહિલાઓના દેહવેપારના ધંધામાંથી કરતો હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદે પાર્ટી પ્લોટ ભાડે આપીને પણ લાખોની કમાણી કરતો હતો.

(3:44 PM IST)