<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ચંડોળામાં 4000 કાચા પાકા ઝૂંપડા તોડી નખાયા : ઝુંપડું ખાલી નહીં કરે તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાશે

અચાનક રોકાયેલી ડ્રાઈવ ટુંક સમયમાં ફરીથી શરૂ કરવામાં આવશે. નાનું અને મોટુ તળાવ એક કરી દેવાશે.અહીં ફરીવાર દબાણ ના થાય તે માટે કામગીરી કરાશે

અમદાવાદના ચંડોળા તળાવમાં  ડિમોલિશન ડ્રાઈવને લઇ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. ચંડોળા તળાવમાં ડિમોલિશન ડ્રાઈવ ફરી શરૂ કરવામાં આવશે અને દબાણો હટાવવાનું અભિયાન ચાલુ રહેશે. ચંડોળામાં અત્યાર સુધીમાં 4000 કાચા પાકા ઝૂંપડા તોડી નાંખવામાં આવ્યાં છે.

A,Cના એસ્ટેટ વિભાગે ગેરકાયદે વસેલા બાંગ્લાદેશીઓના મકાનો તોડી પાડ્યા છે. હવે આગામી કામગીરીમાં પોલીસ અને મહાનગર પાલિકા સાથે મળીને કામગીરી કરશે. લોકોને સ્વૈચ્છિક ઝૂંપડા ખાલી કરવા માટે કહેવાશે. જે લોકો ઝુંપડું ખાલી નહીં કરે તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવશે. મળતી માહિતી મુજબ, ચંડોળામાં ગુરૂવારથી રોકી દેવાયેલી દબાણો તોડવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. પોલીસ અને મહાનગર પાલિકા સાથે મળીને દબાણો તોડવાની ઝૂંબેશ હાથ ધરશે. અત્યાર સુધીમાં અહીં ચારેક હજાર જેટલા ઝૂંપડા તોડી નાંખવામાં આવ્યાં છે. અહીં બે તળાવો છે જેમા નાનું અને મોટુ તળાવ એક કરી દેવાશે.અહીં ફરીવાર દબાણ ના થાય તે માટે કામગીરી કરાશે. હાલમાં અહીં પ્રિ-કાસ્ટ વોલ બનાવવા કામગીરી શરૂ કરાઈ છે.

ચંડોળામાં હવે ભારતીયોના દબાણ હટાવવામાં આવશે. હવે અહીં કેટલા ગેરકાયદે બાંધકામો છે તેના માટે સરવે કરવામાં આવશે.આગામી સમયમાં પોલીસ અને મનપા સાથે મળીને કામ કરશે. બીજી તરફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલ સવાલોના જવાબો આપવાથી ભાગ્યા હતાં. બાંધકામ અને નવા ડિમોલિશનની કામગીરી અંગે સવાલો પુછતાં તેમણે ચાલતી પકડી હતી. અહીં જે લોકોના ઝૂંપડા છે તે લોકો સ્વૈચ્છિક રીતે ખાલી નહીં કરે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવશે. અચાનક રોકાયેલી ડ્રાઈવ ટુંક સમયમાં ફરીથી શરૂ કરવામાં આવશે.

 


 

(8:14 PM IST)