<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

સુરત સમિતિના શિક્ષકોએ ૪ મેના રોજ યોગ શિબિરમાં હાજર રહેવા સૂચના

વેકેશન પડી જશે પણ શિક્ષકના માથેથી ભારણ ઘટતું નથી :ગુજરાત અભિયાન હેઠળ ક્લસ્ટર દીઠ ૨૫ શિક્ષકોએ હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે જેના કારણે શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે

સુરત:સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો બિન શૈક્ષણિક કામગીરી હેઠળ દબાઈ રહ્યા છે. શૈક્ષણિક સત્ર બાદ હવે વેકેશન પડી રહ્યું છે ત્યારે પણ શિક્ષકોને સરકાર અભિયાનમાં જોડી દેવામાં આવ્યા છે. આગામી ૪ મે ના રોજ ગુજરાત સરકારના સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ ક્લસ્ટર દીઠ ૨૫ શિક્ષકોએ હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે જેના કારણે શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી એક બાદ એક સોંપવામા આવી રહી છે તેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવી રહી છે.

 

હાલમાં પરીક્ષા પુરી થઈ છે અને પરિણામ માટે તૈયારી થઈ રહી છે અનેક શાળામાં પરિણામ આપી દેવામા આવ્યું છે અને વેકેશનની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારની કામગીરી માટે આવેલો પરિપત્ર શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગામી ૪ મેના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ સુરતમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુરતની ડી.આર.બી કોલેજ, સી.બી.પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભરથાણા વેસુ ખાતે ૪ મેના રોજ સવારે ૫.૩૦ વાગ્યાથી ૭.૩૦ વાગ્યા સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ મોટા પ્રમાણમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મેળવે તે માટે ક્લસ્ટર દીઠ ૨૫ શિક્ષકોને હાજર રાખવા સુચના આપવામાં આવી છે.  કાર્યક્રમ અંતર્ગત હાજર રહેનાર કર્મચારીશ્રીઓને નિયમોનુસાર વળતર રજા આપવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી છે જોકે વેકેશન જાહેર હોવાથી શિક્ષકોને આ કામગીરીમાં જોડાયા નારાજગી જોવા મળી રહી છે.

 

(9:39 PM IST)