News of Saturday, 3rd May 2025
સુરતમાં 14 વર્ષીય તરુણી પર સગીરનું દુષ્કર્મ : ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલી મિત્રતા નદીકાંઠે બળજબરીનો શિકાર બની : આરોપી ફરાર
તરુણીનો પરિચય લગભગ છ મહિના પહેલા ઉન પાટીયા વિસ્તારના 17 વર્ષીય સગીર સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા થયો હતો : પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

સુરત, 03 મે, 2025: સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણી સાથે 17 વર્ષીય સગીરે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી શરૂ થયેલી આ મિત્રતા ગંભીર ગુનામાં પરિણમી, જેના કારણે મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો છે. આરોપી સગીર ગુનો નોંધાતા જ ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતો અનુસાર, સલાબતપુરા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણીનો પરિચય લગભગ છ મહિના પહેલા ઉન પાટીયા વિસ્તારના 17 વર્ષીય સગીર સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા થયો હતો. યુવકે તરુણીની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, જેને તરુણીએ સ્વીકારી લીધી. આ પછી યુવક તરુણીને વારંવાર ગોપી તળાવ ખાતે મળવા બોલાવતો હતો. તરુણીની દાદીને આ બાબતની જાણ થતાં તેમણે તરુણીને સોશિયલ મીડિયા અને અજાણ્યા લોકો સાથેના સંપર્કથી દૂર રહેવાની સલાહ આપી હતી. જોકે, તરુણીએ દાદીની સલાહને અવગણી.
28 એપ્રિલ, 2025ના રોજ તરુણી યુવકના કહેવાથી ગોપી તળાવ ખાતે તેને મળવા ગઈ. યુવક તરુણીને ત્યાંથી નાનપુરા નજીક આવેલા દયાળજી બાગમાં લઈ ગયો, જ્યાં નદીના કિનારે એક નિર્જન અને અંધારી જગ્યાએ તેણે તરુણી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું. આ ઘટના બાદ તરુણીએ ગુરુવારે પોતાની દાદીને સમગ્ર વાત જણાવી. દાદી તાત્કાલિક તરુણીને લઈ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યા અને આરોપી સામે ફરિયાદ નોંધાવી.
પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, પરંતુ આરોપી સગીર હોવા ઉપરાંત ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા દ્વારા થતા પરિચયના જોખમો અને કિશોરોમાં જાગૃતિની જરૂરિયાત પર ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
