<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

૨૦૧૨માં ચેક રિટર્ન થયો, ૨૦૨૪માં રૂપિયા જમા કરાવ્‍યા છતાં ૧ વર્ષની સજા

કોર્ટે આરોપીને કહ્યું, જ્‍યારે ચેક રિટર્ન થયો ત્‍યારે જ રૂપિયા શા માટે આપ્‍યા નહીં..?

સુરત,તા.૦૩: ચેકરિટર્નના એક કેસમાં ૧૨ વર્ષ બાદ કોર્ટમાં આવીને આરોપીએ ચેકની રકમ જમા કરી કેસ પુરો કરવા માટે કહ્યું હતું, પરંતુ સામે આરોપીને સવાલો કરાયા કે, જયારે ચેક રિટર્ન થયો ત્‍યારે આ રૂપિયા શા માટે આપ્‍યા નહીં..? ચેક રિટર્ન થયો, કોર્ટમાં ફરિયાદ થઈ અને ફરિયાદીને ધક્કા ખાવા પડયા તે માટે કોણ જવાબદાર છે..? તેમ ટાંકીને કોર્ટે આરોપીને એક વર્ષ કેદની સજા તેમજ ચેક જ્‍યારે રિટર્ન થયો તે દિવસથી અત્‍યાર સુધી વાર્ષિક ૯ ટકા વ્‍યાજ ચૂકવવા આરોપીને આદેશ આપ્‍યો છે.

આ કેસની વિગત મુજબ રાજસ્‍થાનના ચિત્તોડગઢના વતની લાલુરામ કેલાજી આહીર કાપડનો વેપાર કરે છે. આ દરમિયાન તેમની મુલાકાત રાજસ્‍થાના રાસ્‍મી તાલુકાના મારમી ગામના વતની ભગવાન માંગીલાલ આહીરની સાથે થઈ હતી. સને-૨૦૧૨માં ભગવાનલાલને રૂપિયાની જરૂર પડતા લાલુરામે રૂા.૩.૭૪ લાખ હાથઉછીના આપ્‍યા હતા. જેની સામે ભગવાનલાલે ચેક આપ્‍યા હતા.

પરંતુ આ ચેક બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થયા હતા. જેને લઈને ફરિયાદી લાલુરામએ એડવોકેટ વિનય શુક્‍લા મારફતે કોર્ટમાં ચેકરિટર્નની ફરિયાદ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલ્‍યો હતો. ટ્રાયલ દરમિયાન જ આરોપી ભગવાનલાલે ચેકની રકમ જમા કરાવી દીધી હતી, અને કેસનું સમાધાન કરવા કહ્યું હતું. પરંતુ ફરિયાદ પક્ષે આ રકમ લેવાની ના પાડી દઈને કેસ ચલાવવા રજૂઆત કરી હતી કે, ૨૦૧૨માં ચેકરિટર્ન થયો હતો, કોર્ટમાં ફરિયાદ થઈ છતાં પણ આરોપી કોર્ટમાં હાજર રહ્યો નથી. સને-૨૦૨૪માં અચાનક જ આરોપી કોર્ટમાં આવીને ચેકની રકમ જમા કરાવે છે તે કેટલું વ્‍યાજબી ગણાય. અત્‍યાર સુધી ફરિયાદીને જે માનસિક યાતના થઈ તેના માટે કોણ જવાબદાર..? તેવી દલીલો કરવામાં આવી હતી.

કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી ભગવાનલાલને તકસીરવાર ઠેરવીને ૧ વર્ષ કેદની સજાનો હુકમ કર્યો હતો તેમજ સને-૨૦૧૨ એટલે કે ચેકની તારીખથી અત્‍યાર સુધી વાર્ષિક ૯ ટકા વ્‍યાજની રકમ સાથે તમામ રકમ ફરિયાદીને ચૂકવી આપવાનો પણ આદેશ આપ્‍યો હતો.

(11:36 AM IST)