<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ઉનાળુ વેકેશનમાં એસટી નિગમની મુસાફરો માટે ભેટ : રાજ્યભરમાં દોડશે દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા બસો

સુરતથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત સહિતના મુખ્ય રૂટ પર વિશેષ વ્યવસ્થા : પાડોશી રાજ્યો માટે પણ વધારાની સેવાઓ

ગાંધીનગર: રાજ્યના નાગરિકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં આરામથી પ્રવાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નિગમ દ્વારા મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે, એમ નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, વેકેશન દરમિયાન મુસાફરોને સલામત અને સમયસર મુસાફરીની સુવિધા મળી રહે તે માટે નિગમના દરેક વિભાગોમાં અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળાના વેકેશન દરમિયાન એસટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ આશરે 300 અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, એસટી નિગમ દ્વારા ગુજરાતમાંથી પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ આંતરરાજ્ય સેવાઓ શરૂ કરવાનું આયોજન છે.
રાજ્યના નાગરિકો ઉનાળા વેકેશનમાં વિવિધ પ્રવાસન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લઈ શકે તે માટે નવી ટ્રીપો શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે દરરોજ 10 ટ્રીપ અને ડાકોર, પાવાગઢ, ગિરનાર માટે દરરોજ 5 ટ્રીપ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા જેવા પ્રવાસન સ્થળો માટે અમદાવાદથી દરરોજ 5 ટ્રીપ તેમજ દીવ અને કચ્છના પ્રવાસ માટે અમદાવાદથી દરરોજ 10 બસોની ટ્રીપોનું આયોજન એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી દરરોજ બે ટ્રીપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા આંતરરાજ્ય સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરથી દરરોજ બે ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

(11:42 AM IST)