News of Saturday, 3rd May 2025
શહેરા તાલુકાના ખાંડીયા ગામના 51 વર્ષીય નવલભાઈ પટેલ દુકાને બીડી લેવા જવા માટે નીકળતા બાઈક ચાલકે હડફેટે લેતા ગંભીર મોત
નવલભાઈને મૃત હાલતમાં જોઈ પરિવારમાં શોક છવાઈ ગયો : મૃતક નવલભાઈના પુત્ર ઉર્વશકુમાર સહિત પરિવારજનોએ શહેરા પોલીસ મથકે પહોંચી હડફેટે લેનાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ તા.૩
શહેરા – ગોધરા હાઈવે માર્ગ ઉપર આવેલા ખાંડીયા પ્રાથમિક શાળાની સામે ચાલતા બીડી લેવા માટે જઈ રહેલા 51 વર્ષીય આધેડને પુરપાટ ઝડપે આવી રહેલ બાઈક ચાલકે અડફેટે લેતા ગંભીર ઇર્જાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજતા ઘર ના મોભીને ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
શહેરા તાલુકાના ખાંડીયા ગામના આબળીયા વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નવલભાઈ રયજીભાઈ પટેલ બપોરના સુમારે પોતાના ઘરે નજીકની દુકાન ઉપર બીડી લેવા જવા માટે ચાલતા નીકળ્યા હતા. તે સમય દરમ્યાન શહેરાથી ગોધરા તરફ જતા હાઈવે માર્ગ ઉપર આવેલ ખાંડીયા પ્રાથમિક શાળાની સામે એક બાઈક ચાલકે નવલભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં નવલભાઈ પટેલ બાઈકની હડફેટે રોડ ઉપર ફંગોળાઈ જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જનાર બાઈક ચાલકને પણ શરીરે ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સ સ્થળ પર આવતા ઈજાગ્રસ્ત નવલભાઈ પટેલ અને બાઈક ચાલકને ગોધરા સિવીલ હોસિપટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ગોધરા સિવિલ હોસિપટલમાં નવલભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરતાં વડોદરા લઈ જતી વખતે રસ્તામાં જ નવલભાઈનું મોત નિપજ્યું હતું.
પોલીસે નવલભાઈના મૃતદેહન ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પી. એમ. રૂમમાં મુકાવી હતી અને બનાવની જાણ પરિવારજનોને કરતા તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં નવલભાઈને મૃત હાલતમાં જોઈ પરિવારમાં શોક છવાઈ ગયો હતો. આ સમગ્ર બાબતે મૃતક નવલભાઈના પુત્ર ઉર્વશકુમાર સહિત પરિવારજનોએ શહેરા પોલીસ મથકે પહોંચી અડફેટે લેનાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
