<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પર એસટી બસ, રિક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત: બાળકી સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત

બાઈક પર જતા અને જીપમાં સવાર બાળકી સહિત 5 લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા :9 જેટલા મુસાફરોને ઇજા થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પર આજે એસ.ટી. બસ, રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં એક બાળકી સહિત 5ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 9 ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અંબાજી-વડોદરા રૂટની એસ.ટી બસ ખેડબ્રહ્મા- અંબાજી હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ બસ જેવી હાઈવે પર આવેલ હિંગટીયા ગામ નજીક પહોંચી ત્યારે અગમ્યકારણોસર બસ, બાઈક અને જીપ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી.

આ અકસ્માતના પગલે ખેડબ્રહ્મા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો અને લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં ખેરોજ અને ખેડબ્રહ્મા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે સ્થાનિકોની મદદથી અકસ્માતગ્રસ્તોને વાહનોની વચ્ચેથી બહાર કાઢ્યા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા અને જીપમાં સવાર બાળકી સહિત 5 લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે 9 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ પોપટભાઈ તરાલ, સાયબાભાઈ બેગડિયા, મંજુલા બેગડિયા (તમામ રહે. ખેડબ્રહ્મા), અજય ગમાર (નાડા ગામ, પોશીના) તરીકે થઈ છે. જ્યારે એક પુરુષે હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં દમ તોડ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા પંચનામું કરીને તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


 

(7:17 PM IST)