News of Monday, 5th May 2025
રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગની જેટ ગતિ : વર્ષ ૨૦૨૪માં ૧.૭૦ કરોડથી વધુ મુસાફરોએ લીધો લાભ
ગુજરાતના ૧૯ એરપોર્ટ પરથી ૧.૪૩ લાખ વિમાનોની આવન-જાવન : તબીબી સેવાઓ અને ઉડ્ડયન તાલીમમાં પણ નોંધપાત્ર પ્રગતિ

ગાંધીનગર : ગુજરાતનો નાગરિક ઉડ્ડયન વિભાગ જેટની ગતિએ વિકાસ કરી રહ્યો છે, જેનો લાભ રાજ્યના લાખો નાગરિકોને મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં રાજ્યનાં ૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એરપોર્ટ મળી કુલ ૧૯ કાર્યરત એરપોર્ટ પરથી અંદાજે ૧.૪૩ લાખ જેટલા વિમાનોની આવન-જાવન નોંધાઈ છે. આ હવાઈ સેવાઓનો લાભ રાજ્યના ૧.૭૦ કરોડથી વધુ યાત્રીઓએ લીધો છે, જે દર્શાવે છે કે રાજ્યમાં હવાઈ મુસાફરીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ ઉપરાંત, આ વર્ષે અંદાજે ૧૦૯.૯ હજાર ટન માલસામાનની પણ હવાઈ માર્ગે હેરફેર કરવામાં આવી છે.
રાજ્ય સરકારે નાગરિકોને આપાતકાલિન તબીબી સેવાઓ તાત્કાલિક મળી રહે તે માટે એર-એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં આવી કુલ ૫૮ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી છે, જેમાં ૨૯ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે અને ૨૯ મેડિકલ ઇમરજન્સી માટેની ફ્લાઇટનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ઉડ્ડયન માળખાને વધુ સુદૃઢ બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રૂ. ૩,૪૦૦ કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને રૂ. ૧,૪૦૫ કરોડના ખર્ચે રાજકોટમાં હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત, ડિસા ખાતે એરફોર્સ સ્ટેશનના રન-વેને પણ રૂ. ૩૯૪ કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.
યુવાનોને પાયલોટ બનવાની તાલીમ મળી રહે તે માટે મહેસાણા એરસ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે. અહીં તાલીમ મેળવીને અત્યાર સુધીમાં ૧૫૫ યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ પ્રાપ્ત કર્યું છે. અમરેલી ખાતે પણ ઉડ્ડયન ક્ષેત્રે તાલીમ આપતી બે સંસ્થાઓ કાર્યરત છે.
કેન્દ્ર સરકારની ‘ઉડાન યોજના’ હેઠળ રાજ્યમાં હાલમાં ૦૭ ફ્લાઇટ સેવાઓ કાર્યરત છે, જેનો લાભ સામાન્ય નાગરિકોને મળી રહ્યો છે. આ ઉપરાંત, રાજ્ય સરકારની વાયબીલીટી ગેપ ફંડીંગ યોજના હેઠળ પણ વિવિધ આંતરિક હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી છે.
આગામી સમયમાં રાજ્યમાં અંબાજી, દ્વારકા, સાપુતારા, સાસણ-ગીર, હાંસોલ અને સોમનાથ ખાતે હેલિપોર્ટ તેમજ કેવડિયા, દ્વારકા, ધોરડો, ધોળાવીરા, દાહોદ અને વડનગર ખાતે નવીન એરસ્ટ્રીપ વિકસાવવાનું આયોજન છે. રાજ્યના એવિએશન સેક્ટરના વિકાસ માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MOU પણ કરવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૦૨માં સ્થપાયેલ નાગરિક ઉડ્ડયન વિભાગ રાજ્યમાં ઉડ્ડયન ક્ષેત્રે માળખાકીય સુવિધાઓના વિકાસ અને સેવાઓના વિસ્તરણ માટે સતત કાર્યરત છે. ‘ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ’ (GUJSAIL) આ દિશામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે, જે ઉડ્ડયન સંબંધિત પ્રવૃત્તિઓ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ પૂરું પાડે છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
