News of Monday, 5th May 2025
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૫૧% અને સામાન્ય પ્રવાહનું ૯૩.૦૭% પરિણામ જાહેર : ગોંડલ કેન્દ્ર વિજ્ઞાનમાં અને બનાસકાંઠા જિલ્લો સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ સાથે મોખરે
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના હસ્તે પરિણામો જાહેર : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિ : નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ‘બેસ્ટ ઓફ ટુ’ યોજના હેઠળ ફરી પ્રયાસ કરવા મંત્રીની અપીલ

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ - ૨૦૨૫ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે પરિણામ જાહેર કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૩.૫૧% નોંધાયું છે. રાજ્યના ૧૫૨ કેન્દ્રો પર લેવાયેલી આ પરીક્ષામાં ૧,૧૧,૨૨૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૧,૧૦,૩૯૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નિયમિત વિદ્યાર્થીઓમાંથી ૧,૦૦,૫૭૫ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી ૮૩,૯૮૭ વિદ્યાર્થીઓ સફળ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ ૯૬.૬૦% પરિણામ ગોંડલ કેન્દ્રનું અને જિલ્લાઓમાં સૌથી વધુ ૯૨.૯૧% પરિણામ મોરબી જિલ્લાનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું ૫૯.૧૫% પરિણામ દાહોદ જિલ્લાનું રહ્યું છે. A ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ ૯૧.૯૦%, B ગ્રુપનું ૭૮.૭૪% અને AB ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ ૭૩.૬૮% આવ્યું છે.
મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર કરતાં જણાવ્યું કે, આ પરીક્ષામાં કુલ ૩,૬૪,૪૮૫ નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૩,૬૨,૫૦૬ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૩,૩૭,૩૮૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આમ, સામાન્ય પ્રવાહના નિયમિત ઉમેદવારોનું પરિણામ ૯૩.૦૭% આવ્યું છે. આ પરીક્ષામાં ૧૦૦% પરિણામ ધરાવતા કેન્દ્રોમાં સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા અને મીઠાપુરનો સમાવેશ થાય છે, જ્યારે ૫૨.૫૬% સાથે ખાવડા કેન્દ્ર સૌથી ઓછું પરિણામ ધરાવે છે. રાજ્યમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને અન્ય પ્રવાહોમાં સૌથી વધુ ૯૭.૨૦% પરિણામ બનાસકાંઠા જિલ્લાનું છે, જ્યારે સૌથી ઓછું ૮૭.૭૭% પરિણામ વડોદરા જિલ્લાનું નોંધાયું છે.
મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે સારા પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જે વિદ્યાર્થીઓ સફળ થયા નથી તેમને નિરાશ થયા વગર ફરીથી પૂરી મહેનતથી તૈયારી કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ‘બેસ્ટ ઓફ ટુ’ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જે વિષયમાં નપાસ થયા હોય તેની અથવા તમામ વિષયોની પરીક્ષા આપીને પોતાનું પરિણામ સુધારી શકે છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
