News of Monday, 5th May 2025
ડિજિટલ યુગમાં નાગરિકોની સુવિધા: ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગના પ્રશ્નોનું ઈ-મેઈલ દ્વારા નિવારણ લાવતા મંત્રી હર્ષભાઈ સંઘવી
એક વર્ષમાં ઈ-મેઈલ પર ૨૫૩૩ પ્રશ્નો અને રજૂઆતોનું ઝડપી નિરાકરણ : નાગરિકોને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તે માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી પારદર્શક વ્યવસ્થા ઊભી કરાઈ

ગાંધીનગર: ડિજિટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તે માટે રાજ્યના ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવી ડિજિટલ માધ્યમથી પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે. એક વર્ષમાં ઈ-મેઈલ પર કુલ ૨૫૩૩ પ્રશ્નો અને રજૂઆતો સામાન્ય નાગરિકો તરફથી મંત્રીને મળી છે, જેનું ખૂબ ટૂંકા સમયમાં મોટા પ્રમાણમાં સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે.
મંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યાલય ખાતે પ્રત્યેક અરજદાર, ધારાસભ્ય, સાંસદ અને પદાધિકારીઓને પ્રત્યક્ષ રીતે સાંભળે છે, પરંતુ રાજ્યના કોઈ પણ નાગરિક કે જનપ્રતિનિધિને ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર ઓફિસ સુધી જવું ન પડે અને ઈ-મેઈલ દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે તે માટે ઈ-મેઈલ પર આવેલી ફરિયાદો અને રજૂઆતોના ત્વરિત નિરાકરણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
રાજ્યના નાગરિકો [email protected] ઈ-મેઈલ આઈડી પર ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પોતાના પ્રશ્નો, નિમંત્રણ અને રજૂઆતો મોકલી રહ્યા છે. આ મળતા ઈ-મેઈલની મંત્રીના કાર્યાલય સ્તરેથી પ્રામાણિકતાપૂર્વક યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, મંત્રી હર્ષભાઈ સંઘવી પોતે દરરોજ મળતા ઈ-મેઈલની સમીક્ષા કરે છે અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ પાઠવે છે. સાથે સાથે, દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં સમીક્ષા બેઠક યોજીને, રજૂઆત થયેલા મુદ્દાઓના ઉકેલ અને પ્રગતિ અંગે પણ બારીક સમીક્ષા કરવામાં આવે છે.
આ કાર્યવાહીથી ઈ-ગવર્નન્સને વધુ બળ મળ્યું છે અને સામાન્ય નાગરિકોને પ્રાથમિકતા આપી, સરળ અને ઝડપી વહીવટની દિશામાં સરકાર આગળ વધી રહી છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
