News of Monday, 5th May 2025
ગુજરાતમાં હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે વધુ સુવિધાજનક : ૫૬ વેસાઇડ એમેનિટીઝને મંજૂરી : હાઇવે પર ૪૦-૬૦ કિમીના અંતરે રેસ્ટરૂમ, ચાર્જિંગ સ્ટેશન અને ખાણીપીણીની સુવિધા ઉપલબ્ધ થશે
કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : દેશભરમાં ૫૦૧ વેસાઇડ એમેનિટીઝ બનશે : સ્થાનિક વ્યવસાયકારો અને કારીગરોને પ્રોત્સાહન મળશે : રોજગારીની તકોમાં વધારો થશે

ગાંધીનગર, તા. ૫ મે, ૨૦૨૫: દેશના નેશનલ હાઇવે તેમજ વિવિધ એક્સપ્રેસ વે પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશના અલગ અલગ નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર ૫૦૧ વેસાઇડ એમેનિટીઝ (WSAs) બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં ગુજરાતની ૫૬ વેસાઇડ એમેનિટીઝનો સમાવેશ થાય છે. આ મંજૂરી મળવાથી ગુજરાતનું હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનશે અને નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અત્યારે ૫૦૧ WSAsની મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ૯૪ કાર્યરત છે. વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં ૭૦૦થી વધારે WSAs સ્થાપિત કરવાનો સરકારનો ઉદ્દેશ છે. ગુજરાતમાં મંજૂર થયેલી ૫૬ WSAsમાંથી હાલમાં ૯ કાર્યરત છે.
વેસાઇડ એમેનિટીઝ એટલે મોટા હાઇવે પર રસ્તાની આસપાસ જરૂરી સુવિધાઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું. મોટા હાઇવે અને એક્સ્પ્રેસવે પરથી પસાર થતા વાહનો માટે આ WSAs પર પાર્કિંગ, ચાર્જિંગ સ્ટેશન, ગુણવત્તાસભર ખાણીપીણીની સુવિધા, રેસ્ટરૂમ અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સરકાર દ્વારા ૪૦થી ૬૦ કિલોમીટરના અંતરે WSAs વિકસિત કરવામાં આવશે. આ WSAsમાં નાના વ્યવસાયકારો અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઝોન બનાવવામાં આવશે. તેમજ સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે વિલેજ હાટ જેવી સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવશે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત થઈ રહેલા ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આ સુવિધાઓના નિર્માણથી રોજગારીની તકો પણ વધશે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
