<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ધોરણ-૧૨ અને ગુજકેટમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને પ્રફુલભાઈ પાનશેરીયાની શુભેચ્છા : નાપાસ વિદ્યાર્થીઓ માટે ‘બેસ્ટ ઓફ ટુ’ યોજના આશાનું કિરણ

શિક્ષણ રાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓને હતાશ ન થવાની અને ફરીથી પ્રયત્ન કરવાની સલાહ આપી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ બોર્ડની કામગીરીને બિરદાવી

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ - ૨૦૨૫ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાના પરિણામોમાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી છે. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થઈને તેમના માતાપિતાનું ગૌરવ વધારશે.
વધુમાં મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સફળ થયા છે તેમને તેઓ અભિનંદન પાઠવે છે. પરંતુ જે વિદ્યાર્થીઓને સફળતા નથી મળી તેઓ નિરાશ થયા વિના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘બેસ્ટ ઓફ ટુ પરીક્ષા’ અંતર્ગત ફરીથી પરીક્ષા આપીને પોતાનું સપનું સાકાર કરી શકશે. એટલું જ નહીં, જે વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ વિષયમાં નાપાસ થયા છે તેઓ તે વિષયની પરીક્ષા આપીને પણ પોતાના પરિણામમાં સુધારો લાવી શકશે.
મંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું કે કોઈ પણ વિદ્યાર્થીને હતાશ કે ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. માતાપિતા તેમના સાચા શુભેચ્છક હોય છે અને તેમનો ગુસ્સો પણ બાળકોને આગળ વધારવા માટે જ હોય છે. તેમણે નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ આજથી જ તૈયારીમાં લાગી જાય અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે.
વધુમાં પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ બોર્ડ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યું છે. આ વખતે બોર્ડની પરીક્ષામાં ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન રહે તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરીક્ષામાં ચોરીના બનાવો ન બન્યા તે શિક્ષણ વિભાગનું એક સકારાત્મક પાસું છે.

 

(2:19 PM IST)