<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

અનુસૂચિત જાતિની આદર્શ નિવાસી શાળાઓનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૧૦૦% પરિણામ : વિકસતી જાતિની શાળાઓનું ૯૯.૮૨%

આદર્શ નિવાસી શાળાઓના ૫૫૬ વિદ્યાર્થીઓ ડિસ્ટિંક્શન સાથે ઝળહળતી સફળતા મેળવી : મંત્રી ભાનુબેન બાબરીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા

ગાંધીનગર: આજે જાહેર થયેલા ધોરણ-૧૨ બોર્ડ અને ગુજકેટના પરિણામોમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ શાળાઓના ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓએ એટલે કે ૧૦૦ ટકા પરિણામ હાંસલ કર્યું છે. આ ઉપરાંત, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓનું પરિણામ પણ ખૂબ જ સારું રહ્યું છે અને ૯૯.૮૨ ટકા વિદ્યાર્થીઓ સફળ થયા છે.
ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષામાં આ શાનદાર સફળતા મેળવનાર તમામ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. રાજ્યમાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ હસ્તકની સામાન્ય પ્રવાહની કુલ ૩૬ શાળાઓ કાર્યરત છે, જેમાં કુલ ૭૨૯ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓમાંથી ૭૨૮ વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી ૯૯.૮૨ ટકા પરિણામ મેળવ્યું છે.
અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની કુલ ૦૮ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ૧૭૯ વિદ્યાર્થીઓએ અસાધારણ સફળતા મેળવીને ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ વિદ્યાર્થીઓમાંથી ૧૩૩ વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન સાથે, ૪૦ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ સાથે અને ૦૬ વિદ્યાર્થીઓએ સેકન્ડ ક્લાસ સાથે ઉત્તીર્ણ થયા છે.
તેવી જ રીતે, વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની કુલ ૨૮ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા ૫૫૦ વિદ્યાર્થીઓમાંથી ૫૪૯ વિદ્યાર્થીઓ સફળ થયા છે અને ૯૯.૮૨ ટકા પરિણામ મેળવ્યું છે. આ વિદ્યાર્થીઓમાં ૪૨૩ વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન સાથે, ૧૦૮ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ સાથે અને ૧૮ વિદ્યાર્થીઓએ સેકન્ડ ક્લાસ સાથે સફળતા મેળવી છે.

 

(2:55 PM IST)