News of Monday, 5th May 2025
હવામાન વિભાગની આગાહી : રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે તા. 10 મે સવાર સુધી ઉત્તર ગુજરાતના જુદા - જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે
મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવા સાથે માવઠું,ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા, મહેસાણા જિલ્લામાં પણ વરસાદ થયો : વિજાપુરમાં પોણો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો:ખેરાલુ પંથકમાં મોડી રાત્રે કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ પડયો

અમદાવાદ તા.૫ :રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેની અસર આજથી જ જોવા મળી હતી. જેમાં અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવા સાથે માવઠું થયું હતું.
ગાંધીનગર ઉપરાંત દહેગામ, કલોલ અને માણસામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. તો મહેસાણા જિલ્લામાં પણ વરસાદ થયો હતો. જેમાં વિજાપુરમાં પોણો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ખેરાલુ પંથકમાં મોડી રાત્રે કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ પડયો હતો. વિસનગર પંથકમાં કડાકા સાથે મોડી રાત્રે વરસાદી ઝાપટું પડ્યું હતું. ઉપરાંત અંબાજી પંથકમાં મધરાત્રે પવન સાથે ઝાપટું થયું હતું. તો દાંતીવાડાના વાધરોલમાં 300થી વધુ પપૈયાના છોડનો સૌથ વળ્યો હતો. આ સાથે જ થરાદ ગ્રામ્યમાં કરા સાથે વરસાદ થયો હતો.
વિરમગામના ભોજીયાપુરા ગામમાં બરફના કરા સાથે વરસાદ પડયો હતો. તેમજ આ ગામના મંગાજી કમસીભાઈ ઠાકોર નામના ખેડૂત હવામાન બદલાતા ખેતરમાં લણલીને કરી મુકેલા અજમાના પાકને વરસાદથી બચાવવા પ્લાસ્ટીક ઢાંકવા ગયા હતા. દરમ્યાનમાં વરસાદ શરૂ થઈ કડાકા ભડાકા સાથે ખેતરમાં વીજળી પડતા તેની ઝપેટમાં આવી ગયા હતા અને તેમનું મૃત્યુ નિપજયું હતુ.
હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 10મી મે સવાર સુધી ઉત્તર ગુજરાતના જુદા - જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. શરૂઆતના એકાદ દિવસ અમુક વિસ્તારમાં માવઠું થયુ હતું પરંતુ આજથી માવઠાનો વિસ્તાર વધશે અને મોટાભાગના વિસ્તારોમાં તેની અસર થશે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
