<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ધોરણ પાંચના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળાઓમાં ઓનલાઈન પ્રવેશ ફાળવણી સંપન્ન : જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ૩૦ હજાર વિદ્યાર્થીઓને ૧૬ કરોડથી વધુની સ્કોલરશીપ ચૂકવાશે

રાજ્યની ૧૧૫ નિવાસી શાળાઓમાં ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશની તક : ૧૪,૫૯૫ કુમાર અને ૧૫,૪૦૫ કન્યાઓને ધોરણ ૬ થી ૧૨ સુધી શ્રેષ્ઠ શિક્ષણ માટે સ્કોલરશીપનો લાભ મળશે : શિક્ષણ મંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં સફળતા મેળવેલા ૨૦ હજારથી વધુ તેજસ્વી બાળકોને રાજ્યની ૧૧૫ નિવાસી શાળાઓમાં ઓનલાઈન પ્રવેશ ફાળવણી પ્રક્રિયા ગાંધીનગરથી સંપન્ન કરી હતી. આ ઓનલાઈન ફાળવણી પ્રક્રિયા વેળાએ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે યોજવામાં આવતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલા અને મેરીટમાં સ્થાન પામેલા વિદ્યાર્થીઓને વિવિધ શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશની ઉત્તમ તક પૂરી પાડવાના અભિગમને શિક્ષણ વિભાગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અપનાવ્યો છે.
આ યોજના અંતર્ગત, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ વર્ષે ૨૨ માર્ચે સમગ્ર રાજ્યમાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ CETમાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને તેમના આગળના અભ્યાસ માટે ઓનલાઈન સ્કોલરશીપ અને નિવાસી શાળાની ફાળવણી કરી હતી.
આ ફાળવણી અંતર્ગત ૪૨ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં ૧૨,૪૫૦ વિદ્યાર્થીઓ, ૧૩ સ્વામી વિવેકાનંદ ટ્રાયબલ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં ૩૯૦૦ વિદ્યાર્થીઓ, ૧૦ રક્ષાશક્તિ સ્કૂલમાં ૭૦૦ વિદ્યાર્થીઓ અને ૨ સૈનિક સ્કૂલ સહિત ૫૦ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ્સ-EMRSમાં ૩૦૨૦ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે પ્રવેશ માટેની ફાળવણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પ્રવેશ ફાળવણીની સાથે જ ૧૪,૫૯૫ કુમાર અને ૧૫,૪૦૫ કન્યાઓ મળીને કુલ ૩૦ હજાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના હેઠળ રૂપિયા ૧૬ કરોડથી વધુની સ્કોલરશીપની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી ચૂકવવાની પ્રક્રિયાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તે માટે આપવામાં આવે છે. આ સ્કોલરશીપ માટેની પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પણ સંપૂર્ણપણે ઓનલાઇન રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ માટે કુલ ૫૦,૦૭૦ જગ્યાઓ માટે વિદ્યાર્થીઓને નિવાસી શાળા અથવા સ્કોલરશીપની ઓનલાઈન ફાળવણી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, આદિજાતિ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ જે.પી. ગુપ્તા, શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમાર, સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રંજીથ કુમાર અને શિક્ષણ વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(5:49 PM IST)