<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

અમદાવાદમાં સફેદ પાવડરના કાળા કારોબર સાથે જોડાયેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો : રૂ.3.71 લાખનો ડ્રગ્સનો જથ્થો જપ્ત

કાજીમઅલી ઉર્ફે મુન્નુ બાપુ ઉર્ફે વસીમ લંબુ સૈયદની ઝોન 7 એલસીબી ટીમે ધરપકડ કરી:આરોપી એસજી હાઈવે પર ડ્રગ્સનું વેચાણ કરતો હતો : છેલ્લા બે વર્ષથી ડ્રગ્સનો ધંધો કરતો હોવાનુ તપાસમાં ખુલ્યું

અમદાવાદમાં ફરી એક વાર સફેદ પાવડરના કાળા કારોબર સાથે જોડાયેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો છે. એસજી હાઈવે પર ડ્રગ્સના વેચાણ માટે ગ્રાહકની રાહ જોનાર પેડલરને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી રૂપિયા 3.71 લાખની કિમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. 

 

કાજીમઅલી ઉર્ફે મુન્નુ બાપુ ઉર્ફે વસીમ લંબુ સૈયદની ઝોન 7 એલસીબી ટીમે ધરપકડ કરી છે. આરોપી એસજી હાઈવે પર ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો હતો. ઝોન 7 સ્કોર્ડને બાતમી મળી હતી કે એસજી હાઈવે પર નવી બનતી સાઈટ પર આરોપી ડ્રગ્સનું વેચાણ કરે છે. જેથી પોલીસે રેડ કરતા 3.71 લાખની કિમંતનો 37 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. આરોપી પાસેથી એક ઈલેકટ્રીક વજન કાંટો, પ્લાસ્ટીકની જીપર બેગ, બે મોબાઈલ અને રૂ 14 હજાર રોકડ જપ્ત કરી છે. આરોપી ડગ્સ પેડલર છે. છેલ્લા બે વર્ષથી ડ્રગ્સનો ધંધો કરતો હોવાનુ તપાસમાં ખુલ્યું છે.

 

પોલીસ તપાસમા સામે આવ્યુ કે ડ્રગ્સ પેડલર કાજીમઅલી મકરબાનો રહેવાસી છે. જે ચંડોળા તળાવ નજીકથી રૂપિયા 9 હજારમાં 5 ગ્રામ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો અને એક એક ગ્રામની જીપર બેગમા ભરીને રૂપિયા 2200થી 2500માં એક ગ્રામ ડ્રગ્સ વેચાણ કરતો હતો. આ ડ્રગ્સ પેડલરને એસઓજીએ અગાઉ પણ ડ્રગ્સ કેસમા ધરપકડ કરી હતી. જોકે તેણે જેલમાંથી છુટયા બાદ ફરી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો છે. આરોપી વિરૂધ્ધ અગાઉ શાહપુરમા હત્યાના પ્રયાસ, એસઓજીમા એનડીપીએસનો ગુનો અને વેજલપુરમા પણ ફરિયાદ નોંધાઈ હતી. આરોપી બે વર્ષથી ડ્રગ્સ પેડલર બનીને ડ્રગ્સનુ વેચાણ અને હેરાફેરી કરે છે. ઝોન 7 એલીસીબીએ આરોપીને સરખેજ પોલીસને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

સરખેજ પોલીસે ડ્રગ્સ કેસમા આરોપી કાજીમઅલીને કોર્ટમા રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના મોબાઈલમા ડ્રગ્સ પેડલર અને ગ્રાહકોની ડિટેઈલ્સની તપાસ શરૂ કરી છે. આરોપીએ વિદ્યાર્થીઓ અને યુવાપેઢીને ટાર્ગેટ કરીને ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની શકયતાને લઈને પોલીસે પુછપરછ શરૂ કરી છે.

(6:34 PM IST)