<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

વૈશાખમાં વરસાદ : રાજ્યના 49 તાલુકામાં મેઘરાજા મંડાયા : સૌથી વધુ ભાવનગર અને શિહોરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો

વડોદરા, નડિયાદ અને માણસામાં 1-1 ઇંચ વરસાદ : કપડવંજ અને ધોળકામાં પોણો ઇંચ વરસાદ :સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે વરસાદ :ભારે પવન ફૂંકાવાથી કેટલીક જગ્યાએ લગ્નના મંડપ ઉડ્યા

ગુજરાતમાં અનેક તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં કુલ 49 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ભાવનગર અને શિહોરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડોદરા, નડિયાદ અને માણસામાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર, કપડવંજ અને ધોળકામાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો.

 

મળતી માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે  રાજ્યમાં કુલ 49 તાલુકામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. બપોરથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ અલગ-અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરુ થયો છે.  ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાવાથી કેટલીક જગ્યાએ લગ્નના મંડપ ઉડ્યા છે તો કેટલીક જગ્યાએ છાપરા ઉડવાની ઘટનાઓ પણ સામે આવી છે. ભાવનગરમાં એક મકાન પર વીજળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે.

હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ અને કચ્છ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. અમદાવાદ,ગાંધીનગર ,મહેસાણા,અરવલ્લી ,મહીસાગર, દાહોદ ,ખેડા ,આણંદ ,પંચમહાલ ,વડોદરા, છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ, સુરત ,અમરેલી, ભાવનગર ,મોરબી અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કરા પડવાની સંભાવના હવામાન વિભાગે જણાવ્યું છે. તો બીજી તરફ ડાંગ,નવસારી ,વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર ,રાજકોટ અને જુનાગઢ જેવા જિલ્લાઓમાં છુટા છવાયા વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.

 

(9:19 PM IST)