News of Wednesday, 7th May 2025
RBSK અંતર્ગત નાના લિમટવાડા ગામના જયને વિનામૂલ્યે અને શ્રેષ્ઠ સારવાર મળતા તે હવે સાંભળી શકે છે
જય સામાન્ય બાળકોની જેમ હવે સાંભળવા લાગ્યો, હું આરોગ્ય તંત્રનો હ્રદયસ્પર્શી આભાર માનું છું : મિતેશ વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત 0-18 વર્ષના બાળકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓની ઓળખ કરીને સમયસર નિદાન અને સારવાર કરીને મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. બાળકોના આરોગ્ય સ્થિતિ અને પોષણમાં સુધારો લાવવાના ઉમદા આશય સાથે નર્મદા જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ સક્રિય કામગીરી કરી રહી છે.
નાંદોદ તાલુકાના નાના લિમટવાડા ગામથી પણ એક દિલને સ્પર્શતી સંવેદના સામે આવી છે, જ્યાં આંગણવાડી કેન્દ્ર પરથી RBSK ની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી દરમિયાન જય નામના બાળક ને સાંભળવામાં તકલીફ હોવાનું જાણવા મળ્યું હતું. આર.બી.એસ.કે.ના માર્ગદર્શન હેઠળ આ બાળકની વધુ તપાસ માટે તેને જનરલ હોસ્પિટલ રાજપીપલા અને એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જયના પિતા મિતેશભાઈ વસાવાએ જણાવ્યું કે, જયના જન્મ સમયે પરિવારમાં ખુબ ખુશીનો માહોલ હતો, પરંતુ જય બે વર્ષનો થયો, છતાં સાંભળી શકતો નહોતો, આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા મને જયના શ્રવણશક્તિ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમે જયના સારવાર અને નિદાન માટે ખુબ જ કાળજીપૂર્વક તપાસની કાર્યવાહી કરી હતી. પરિણામે, જયના કાનનું વિનામૂલ્યે સફળ ઓપરેશન થયુ છે અને હાલ તેની સ્પીચ થેરાપી ચાલી રહી છે. જય સામાન્ય બાળકોની જેમ હવે સાંભળવા લાગ્યો છે, હું આરોગ્ય તંત્રનો હ્રદયસ્પર્શી આભાર માનું છું.
નોંધનીય છે કે, RBSK અંતર્ગત સમયસરના વહેલા નિદાનથી નાના જયને શ્રવણ શક્તિનું નવજીવન મળ્યું છે. જય આજે સામાન્ય બાળકોની જેમ ઉત્સાહપૂર્વક આંગણવાડીમાં જાય છે, બાળકોની સાથે રમે છે. જેને જોતા માતા-પિતાએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે. મિતેશભાઈ જિલ્લા વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કરે છે. હાલ રાજપીપલા G.M.E.R.S. ખાતે જયની સ્પિચ થેરાપી ચાલી રહી છે, અને ભાવિ નાગરિક તરીકે તેઓ જીવનમાં પ્રગતિ કરીને આગળ વધશે તેવી માતા-પિતા આશા સેવી રહ્યાં છે
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
