<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

સુરત ચોકબજાર અપહરણ કેસનો નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો : ભોગ બનનાર મહિલા પણ મળી

ગાંધીગ્રામ સર્વેલન્સ ટીમે કુશળ કામગીરીથી બે મહિનાથી ફરાર આરોપીને દબોચ્યો : ભોગ બનનારને સુરત પોલીસને સોંપવામાં આવી

રાજકોટ: સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતો ફરતો આરોપી ચિરાગ ઉર્ફે ભુરીયો ભરતભાઈ મકવાણાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશ્નર રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. મેઘાણી અને પે.સબ.ઇન્સ. એ.એસ. મકરાણીના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમના જવાનોએ ગુપ્ત બાતમીના આધારે આરોપી ચિરાગ ઉર્ફે ભુરીયોને રાજકોટના ઘંટેશ્વર, જામનગર રોડ પરથી ઝડપી પાડ્યો હતો. મહત્વની વાત એ છે કે આ કાર્યવાહી દરમિયાન ભોગ બનનાર મહિલાને પણ શોધી કાઢવામાં આવી છે અને તેને સુરત ચોકબજાર પોલીસના હવાલે કરવામાં આવી છે, જેથી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી શકાય.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. મેઘાણી, પો.સબ.ઇન્સ. એ.એસ. મકરાણી, પો.હેડ.કોન્સ. મશરીભાઇ ભેટારીયા, સહદેવસિંહ જાડેજા, રવીભાઈ ગઢવી, રોહીતદાન ગઢવી, શબ્બીરભાઇ મલેક, અમીનભાઈ ભલુર, મુકેશભાઈ સબાડ, પ્રદિપભાઈ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઈ મકવાણા, પ્રશાંતભાઈ ગજેરા, મહિલા પો.કોન્સ. રીનાબેન પરમાર અને હોમગાર્ડ મહીપાલસિંહ સબળસિંહ જાડેજાએ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.

 

(11:46 PM IST)