News of Thursday, 8th May 2025
ત્રણ ગુજરાતી સહીત ચારને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ
અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સુરેન્દ્રનગરના મુકતાબેન દાઘલી, અમરેલીના મહેશ રાઠોડ ઉપરાંત મુરલીકાંત પેટકર અને મુંબઇના યજ્ઞેશ પંડયાનું સન્માન : ફેસ્ટિવલ આયોજક ઓમગુરૂ પોતે ૮૦% શારીરિક અક્ષમતા ધરાવે છે તેમ છતા અન્યોને પ્રેરણા પુરી પાડતા રહે છે

રાજકોટ : અમદાવાદ ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ ગુજરાતીઓ સહીત ચારને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જેમાં સુરેન્દ્રનગરની અંધ સામાજિક કાર્યકર પદ્મશ્રી મુકતાબેન દાઘલી અને અમરેલીના મહેશ રાઠોડ (લતા મંગેશકરના ૨૮ વર્ષ સુધીના સચિવ)નું પણ સન્માન કરાયુ હતુ. જેમા બે પદ્મશ્રી વિજેતાઓએ ગંભીર શારીરિક અપર્યાપ્તતાઓ છતાં જીવનમાં અદભૂત સિદ્ધિઓ હાંસલ કરી આ સન્માન હાંસલ કરેલ. આ ફેસ્ટિવલના સ્થાપક અને આયોજનકર્તા ઓમગુરુ પોતે ૮૦% શારીરિક અક્ષમતા સાથે જીવન જીવી રહ્યા છે. તેમ છતાં તેમણે એઆઇએફએફ દ્વારા યુવા ફિલ્મમેકર્સને મંચ આપવાનો સંકલ્પ રાખ્યો છે અને માનવ સહનશક્તિનો ઉત્સવ ઉજવ્યો છે. પદ્મશ્રી મુકતાબેન દાઘલી - દ્રષ્ટિહીન મહિલાઓ માટે આજે એક શક્તિરૂપ બની ચૂકેલી સામાજિક સુધારક છે. તેમની લાંબાસમયથી ચાલુ દ્રષ્ટિહીન મહિલાઓના સશક્તિકરણ માટેની સેવાઓ બદલ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે તેમના પતિ પંકજભાઈ સાથે મળીને ‘પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ' નામની સંસ્થાની સ્થાપના કરી છે, જે દ્રષ્ટિહીન દીકરીઓના શિક્ષણ અને પુનર્વસન માટે કાર્યરત છે. આ એવોર્ડના બીજા વિજેતા પદ્મશ્રી મુરલીકાંત પેટકર ભારતના પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અને યુદ્ધવીર કે જેઓ ૧૯૬૫ની ભારત-પાક યુદ્ધ દરમિયાન નવ ગોળી વાગ્યા છતાં પણ ૧૯૭૨ના હાઇડેલબર્ગ પેરાલિમ્પિકમાં તેમણે ભારત માટે ગોલ્ડ જીત્યું. હાલ તેમની પ્રેરણાત્મક જીવનકથા કાર્તિક આર્યન અભિનીત ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન'માં દર્શાવવામાં આવી છે. તળતીય સન્માનિત વ્યક્તિ હતા મહેશ રાઠોડ - અમરેલી જિલ્લાના મોરાંગી ગામના વતની. જેમણે લગભગ ૨૮ વર્ષ સુધી ભારત રત્ન લતા મંગેશકરના સચિવ અને સંભાળક તરીકે સેવા આપી. તેમણે નાની ઉંમરે નોકરીની શોધમાં મુંબઈ જઈ લતાજીનો વિશ્વાસપાત્ર સાથી બનીને જીવન વ્યતીત કર્યું. ચોથા એવોર્ડના વિજેતા હતા યજ્ઞેશ પંડ્યા - પ્રિન્ટ વિઝન પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક. જે ભારતીય છાપકામ ઉદ્યોગના પ્રતિષ્ઠિત દિગ્ગજ છે. મુંબઈ સ્થિત જેઝે સ્કૂલ ઓફ આર્ટસના ભૂતપૂર્વ વિદ્યાર્થી પંડ્યાએ ૭૦થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા છે. આ ચારેય એવોર્ડ વિજેતાઓએ પોતાની આ સફળતાઓનો યશ ઓમગુરુને આપ્યો હતો અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. એઆઇએફએફને ૩,૬૦૦થી વધુ ફિલ્મ એન્ટ્રીઓ મળી હતી અને ૨૬૦ ફિલ્મોને પુરસ્કળત કરવામાં આવી, જેમાં ટૂંકી ફિલ્મો, ડોકયુમેન્ટરીઝ, મ્યુઝિક વીડિયોઝ, એનિમેટેડ ફિલ્મો, દિવ્યાંગ ફિલ્મો, સ્કૂલ ફિલ્મો અને ફીચર ફિલ્મોનો સમાવેશ હતો
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
