News of Thursday, 8th May 2025
કૃષિ યાંત્રીકરણ યોજના : સહાયિત દરે સાધનો માટે કંપનીઓએ નોંધણી કરાવવી ફરજિયાત
ખેડૂતોને લાભ મળે તે માટે સરકારનો મહત્વનો નિર્ણય : આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ૨૦ મે સુધી નોંધણી કરી શકાશે

ગાંધીનગર: રાજ્યના ખેતી નિયામકની કચેરી દ્વારા અમલીકૃત કૃષિ યાંત્રીકરણની યોજનાઓ અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેડૂતોને સહાયિત દરે ખેત ઓજારો અને સાધનો આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ઓજારોનું ઉત્પાદન કરતી તમામ કંપનીઓએ આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર ફરજિયાતપણે નોંધણી કરાવવાની રહેશે.
ખેતી નિયામક કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકાર માન્ય ટેસ્ટીંગ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવેલા અને માન્ય વેલીડીટી ધરાવતા ખેત ઓજારો અને સાધનો જ આ યોજના હેઠળ ખેડૂતોને સહાયિત દરે ઉપલબ્ધ થશે. આથી, તમામ ઓજાર ઉત્પાદક કંપનીઓએ આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર "કંપની નોંધણી" પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરવાની રહેશે અને સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
આ ઉપરાંત, કંપનીઓએ તેમના અધિકૃત ડિલરોની નિમણૂક માટે પણ આ જ પોર્ટલ પર "ડિલર" તરીકે નોંધણી કરાવવાની રહેશે. ડિલરોએ પણ નિર્ધારિત પ્રક્રિયા મુજબ જરૂરી માહિતી અને પુરાવાઓ સાથે નોંધણી કરવાની રહેશે. નોંધણીની છેલ્લી તારીખ ૨૦ મે, ૨૦૨૫ છે. ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા તમામ સંબંધિત કંપનીઓ અને ડિલરોને આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને સમયસર આ યોજનાનો લાભ મળી શકે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
