News of Friday, 9th May 2025
ભારત-પાક તંગદિલી વચ્ચે ગુજરાત સરકાર એલર્ટ : આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્યભરની આરોગ્ય વ્યવસ્થાઓની વીડિયો કોન્ફરન્સ સમીક્ષા કરી : કટોકટી માટે સજ્જ રહેવા આદેશ
રાજ્યના પાકિસ્તાન સાથે જોડાયેલા દરિયાઈ, જમીની અને હવાઈ સરહદી જિલ્લાઓમાં દવાઓ, બેડ, આઈસીયુ અને બ્લડની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના : તમામ હોસ્પિટલોને કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવા આદેશ અપાયો

ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે સરહદી રાજ્ય તરીકે આરોગ્ય સેવાઓ અને સુવિધાઓને લઈને સતર્કતા અને સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી છે. આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાઓમાં આરોગ્ય વ્યવસ્થાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
મંત્રી પટેલે ખાસ કરીને ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા સરહદી જિલ્લાઓમાં કટોકટીના સમયે જરૂરી આરોગ્ય સેવાઓ અને સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમણે આ તમામ જિલ્લાઓમાં દવાઓના પૂરતા જથ્થા, હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા, આઈસીયુની સુવિધાઓ અને લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટેની આગોતરી વ્યવસ્થાની તમામ વિગતો મેળવી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે કટોકટીની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગની સજ્જતા અને પૂર્વતૈયારી અંગે વિશેષ માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે આ તમામ કામગીરી સુનિશ્ચિત કરવા માટેના દિશાનિર્દેશો પણ આપ્યા હતા, જેથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક રીતે કાર્યવાહી કરી શકાય.
ગાંધીનગર ખાતે યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી, કમિશ્નર રતનકવરજી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા અને તેમણે સમગ્ર પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને લઈને કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે તમામ સ્તરે સતર્કતા દાખવવામાં આવી રહી છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
