<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જમીન બાબતે RTI થતા જુનારાજ ગામનો રોડ અટકી પડતા ગ્રામજનોને મુશ્કેલી : વરસાદમાં અવરજવર બંધ

ચોમાસા પહેલા રોડ બને એવી શક્યતા હતી પરંતુ RTI કરી કામગીરી અટકાવતા રસ્તો હજુ અધૂરો : કોઈ ઇમરજન્સી કેસમાં દર્દીને બોટમાં લાવવા પડે તેવી સ્થિતિ હોય વહેલીતકે રસ્તો બનાવવા માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:આઝાદી બાદ પ્રથમવાર નાંદોદ તાલુકાના જુનારાજ ગામને 4 કરોડના ખર્ચે પાકો રસ્તો મળ્યો, દોઢ વર્ષ પહેલા ખાત મુહૂર્ત થયું, રસ્તાની કામગીરી ચાલુ પણ થઇ અને કેટલાક લોકોએ જમીન મુદ્દે RTI કરતા વન વિભાગે આ કામગીરી અટકાવવી પડી હતી. જોકે ગ્રામજનો અને સાંસદ મનસુખભાઈ વાસવાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી રસ્તાનું કામ પુનઃ ચાલુ કરાવ્યું પરંતુ જો સતત કામગીરી ચાલી હોત તો કામગીરી પૂર્ણ થઇ ગઈ હોત, હાલ બે ત્રણ દિવસથી જિલ્લા માં વરસાદ પડતા આખા રસ્તા પર કીચડ ફરી વળ્યું છે અને ખાડાઓમાં પાણી ભરાતા વાહનો સ્લીપ થતા હોય જેથી જુનારાજથી રાજપીપળા આવવાનો રસ્તો બંધ થઇ ગયો છે. હવે માત્ર બોટ ના માર્ગે ગ્રામજનો અવર જ્વર  કરવા મજબૂર બન્યા છે. હજુ ચોમાસાની સીઝન ને દોઢ મહિનો છે ત્યારે જો આખા રસ્તા પર  કોન્ટ્રાક્ટર માટી મેટલ નું કામ કરી ડામર કે ડસ્ટ પાથરી દે તો ગ્રામજનો વાહનો દ્વારા ચોમાસામાં અવર જવર કરી શકે નહીતો કોઈ ઇમરજન્સી કેસ માં દર્દીને બોટમાં લાવવા પડે તેવી સ્થિતિ છે. જોકે 75 વર્ષ બાદ જુનારાજ ને પાકો રસ્તો મળ્યો પરંતુ આ રસ્તો ઝડપથી ના બનતા હજુ નવા રસ્તા પરથી જવા આવવાનો જુનારાજ ના લોકોને લાભ મળ્યો નથી. આ ચોમાસા પહેલા લાભ મળે એવી લોકો ની માંગ ઉઠી છે

(12:54 AM IST)