<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ભારત-પાક તણાવ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રક્તદાનની મેગા ડ્રાઇવ : પુણ્યનું ભાથું બાંધવાની તક:જુઓ વિડીયો

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ આવતીકાલે મધર્સ ડે નિમિત્તે માતૃભૂમિનું ઋણ ચૂકવવાની આ સોનેરી તક ગણાવીને મોટી સંખ્યામાં જાહેર જનતાને રક્તદાન કરવા માટે આહ્વાન કર્યું : આવતીકાલે હોસ્પિટલમાં સૌથી મોટી રક્તદાન ડ્રાઇવ : ૨૪ કલાકમાં ગમે ત્યારે રક્તદાન કરી શકાશે

અમદાવાદ, તા. ૧૦ મે: ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગોતરા આયોજનના ભાગરૂપે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવશે. આવતીકાલે, તા. ૧૧મી મે ના રોજ મધર્સ ડેના પવિત્ર અવસરે સિવિલ હોસ્પિટલમાં આ મેગા રક્તદાન ડ્રાઇવનો શુભારંભ થશે. આ ડ્રાઇવ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ઉપરાંત શહેર અને જિલ્લાના અન્ય સ્થળોએ પણ જઈને મહત્તમ રક્ત એકત્રિત કરવામાં આવશે.
બ્લડ ડોનર્સની મોટી સંખ્યાને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રક્તદાન માટે બી-૧ ખાતે એક અલાયદો વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં દાતાઓ ૨૪ કલાકમાં ગમે ત્યારે જઈને રક્તદાન કરી શકશે. આજે, તા. ૧૦મી મે ના રોજ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજના ૨૫૦ જેટલા જુનિયર ડોક્ટરોએ સ્વયંભૂ રીતે રક્તદાન કર્યું હતું. દર્દીઓની સારવાર અને સેવાની સાથે સાથે રક્તદાન કરીને દેશ સેવા કરવાની આ પહેલ જુનિયર ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલ નર્સિંગ યુનિયન દ્વારા પણ માતૃભૂમિનું ઋણ ચૂકવવાના આ અવસરને વધાવી લઈને ૧૦૦ જેટલા નર્સિંગ ભાઈ-બહેનોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ આવતીકાલે મધર્સ ડે નિમિત્તે માતૃભૂમિનું ઋણ ચૂકવવાની આ સોનેરી તક ગણાવીને મોટી સંખ્યામાં જાહેર જનતાને રક્તદાન કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિમાં જ્યારે આપણો દેશ એક થઈને ઊભો છે, ત્યારે ઊભી થનારી તમામ સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેની તૈયારીના ભાગરૂપે જાહેર જનતાએ આગળ આવવું જોઈએ અને રક્તદાન કરવું જોઈએ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલનું બ્લડ સેન્ટર ૨૪ કલાક કાર્યરત છે. રક્તદાન કરવા ઈચ્છુક વ્યક્તિઓ સિવિલ હોસ્પિટલ અમદાવાદના બી-૨, બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ ઇમ્યુનોહેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT), વુમન, ચાઇલ્ડ એન્ડ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સંપર્ક કરી શકે છે.

(5:30 PM IST)