<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

વડોદરાના સયાજીબાગમાં જોયટ્રેનની અડફેટે 4 વર્ષીય માસૂમનું મોત

કોન્‍ટ્રાકટરની બેદરકારીના લીધે પરિવારે બાળકી ગુમાવતા પોલીસ ફરીયાદ

વડોદરાઃ  સયાજીબાગમાં ગત ગુરુવારે સાંજે એક કરુણ ઘટના બની હતી. આ જોયટ્રેનની અડફેટમાં આવી જતાં જંબુસર ખાતે રહેતી 4 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજતાં ચકચાર મચી જવા પામી હતી. મહત્ત્વનું છે કે, કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે પરિવારે બાળકી ગુમાવતા પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, જંબુસરના કસ્બાના સોગદવાડી વિસ્તારમાં રહેતી 4 વર્ષીય ખતીજાબેન પરવેઝભાઈ પઠાણ પરિવાર સાથે બપોરના સમયે સયાજીબાગમાં ફરવા માટે આવી હતી. જ્યાં ભાઈ-બહેન સાથે તે જોયટ્રેનમાં પણ બેઠી હતી. ત્યારબાદ તેઓ સાંજે ૫ વાગ્યાના અરસામાં ઘરે જવા માટે તૈયારી કરી રહી હતી. ત્યારે ખતીજા પરિવાર સાથે જોયટ્રેનના સ્ટેન્ડ પાસે ઊભી હતી. તે દરમિયાન જોયટ્રેન ત્યાંથી પસાર થતી હતી ત્યારે ખતીજા એકાએક જોયટ્રેનની નીચે આવી ગઈ હતી.

આ ઘટના જોઈને આસપાસના વ્યક્તિઓએ, પરિવારે, સયાજીબાગના સ્ટાફે બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે જોયટ્રેનના ડ્રાઈવરે ટ્રેન તો રોકી હતી પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. સ્થળ ઉપર હાજર વ્યક્તિઓએ ભારે જહેમત બાદ બાળકીને ટ્રેનની નીચેથી બહાર કાઢી હતી. બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર સારવાર માટે રિક્ષામાં બેસાડીને સયાજી હૉસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાની જાણ સયાજીગંજ પોલીસ મથકે કરતા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો.

બપોરના સમયે પરિવાર સાથે સયાજીબાગમાં ઍન્જોય કરવા માટે આવેલી ખતીજાએ પણ ભાઈ-બહેનો સાથે જોયટ્રેનમાં બેસીને મજા માણી હતી. જેના પછી પણ સયાજીબાગમાં અન્ય રાઈડોની મજા લીધી હતી. ત્યારબાદ ઘરે જવાના સમયે ખતીજા જોયટ્રેનની અડફેટમાં આવી જતા મોતને ભેટી હતી.

આ ઘટના બાદ જોયટ્રેનનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ડ્રાઈવરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત CCTV ફૂટેજ અને નજરે જોનારા વ્યક્તિઓના નિવેદન બાદ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું તેમ પોલીસે જણાવ્યું હતું. કોર્પોરેશને તે જોયટ્રેન ટેમ્પરરી ધોરણે બંધ કરાવી દીધી હતી. આગામી દિવસોમાં રીપોર્ટ આવ્યા પછી શું એક્શન લેવાય છે ત્યાર બાદ જ તે જોયટ્રેન પુનઃ ચાલુ કરવામાં આવશે.

કોર્પોરેશનના વિપક્ષી નેતાએ જણાવ્યું કે, જોયટ્રેનની અડફેટે ચાર વર્ષની બાળકીનુ મોત થતા હાહાકાર મચી ગયો હતો. ત્યારે કોર્પોરેશને તે જોયટ્રેન ટેમ્પરરી ધોરણે બંધ કરાવી દીધી હતી. આગામી દિવસોમાં રીપોર્ટ આવ્યા પછી શું એક્શન લેવાય છે ત્યાર બાદ જ તે જોયટ્રેન પુનઃ ચાલુ કરવામાં આવશે.

(12:29 PM IST)