News of Sunday, 11th May 2025
પ્લોટના રૂપિયા ચુકવવા પિતા સાથે ચોરીના ગુનામાં સામેલ થઈ: ચોરીના ગુન્હામાં પિતા-પુત્રીની ધરપકડ
આરોપીમાં માલાભાઈ સમેચા રીઢો ચોર:તેણે પોતાની દિકરી સાથે હોય તો પોલીસને શંકા ન જાય તેવા આશયથી તેને સાથે રાખીને ગુનાને અંજામ આપ્યો

અમદાવાદના મણિનગર વિસ્તારમાં થયેલી એક ચોરીમાં પોલીસે આરોપીઓને પકડતા ખુલાસો થયો છે. પુત્રીએ લીધેલા પ્લોટના રૂપિયા ચુકવવા માટે પિતા સાથે ચોરીના ગુનામાં સામેલ થઈ, પરંતુ આ ગેરકાયદેસર પ્રવૃતિ ઝડપાઈ જતા પિતા-પુત્રીને જેલમાં જવાનો વારો આવ્યો છે.
મણિનગર પોલીસે ચોરીના ગુનામાં ઉમા ઉર્ફે ઉર્મિલા ડાભી અને માલાભાઈ સમેચા નામના પિતા-પુત્રીની ધરપકડ કરી છે, બન્નેએ ભેગા મળીને મણિનગર વિસ્તારમાં પહેલા રેકી કરી અને બાદમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. જોકે પોલીસે સીસીટીવી ફુટેજ તપાસ કરતા આરોપીઓનો પકડવામાં સફળતા મળી છે. આરોપીમાં માલાભાઈ સમેચા રીઢો ચોર હોવાનું સામે આવ્યું છે અને તેણે પોતાની દિકરી સાથે હોય તો પોલીસને શંકા ન જાય તેવા આશયથી તેને સાથે રાખીને ગુનાને અંજામ આપ્યો હતો.
મણિનગરમાં પંચવટી સોસાયટીમાં રહેતા અનિલભાઈ ભાવસારના ઘરમાં ચોરીની ઘટના બની હતી, તેઓના ઘરમાં અજાણ્યા વ્યક્તિએ પ્રવેશ કરી રોકડ 67,000 રૂપિયા, ચાંદીના વાસણો, સોનાના દાગીના સહિત 1.15 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. જે મામલે મણિનગરમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સોસાયટીના અને અન્ય આસપાસના સીસીટીવી તપાસ કરતા એક સ્કુટર પર શંકાસ્પદ મહિલા અને પુરૂષ દેખાતા વાહનના નંબરના આધારે ચેક કરતા સ્કુટર 9 માસ પહેલા ચોરી થયુ હોવાની હકિકત જાણવા મળી હતી, જોકે આ એક્ટીવા નારોલ વિસ્તારમાં જમીન લે વેચનું કામ કરતા સુરેશ ભરવાડની ઓફિસ બહાર અવારનવાર આવતી હોવાનું જાણવા મળ્યું અને અંતે પોલીસે બન્ને આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી.
મણિનગર પોલીસે નારોલ વિસ્તારમાંથી પિતા પુત્રીની ધરપકડ કરી હતી. આરોપીની તપાસમાં સામે આવ્યું કે પુત્રી ઉમા ડાભીએ નારોલમાં 4.5 લાખમાં એક પ્લોટ ખરીદ્યો હતો, જેના રૂપિયા ચુકવવા હોવાથી તેણે પિતા સાથે ચોરી કરવાનું નક્કી કર્યું અને આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી પિતા અગાઉ 17 જેટલી ધરફોડ ચોરીના ગુનાને અંજામ આપી ચુક્યો હોવાથી તેણે દિકરીને સાથે રાખીને આ ચોરી કરી હતી. તેવામાં પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો અડધો મુદ્દામાલ રીકવર કર્યો છે, અને વધુ તપાસ શરૂ કરી છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
