News of Monday, 12th May 2025
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ ૨.૮૩ ઇંચ વરસાદ નોંધાયો : જાણો તાલુકવાર વરસાદી આંકડા
જૂનાગઢના માળિયા હાટીનામાં ૧.૭૭ ઇંચ, જામનગરના જામજોધપુરમાં ૧.૫૭ ઇંચ અને જૂનાગઢના માણાવદર તેમજ અમરેલીના ધારીમાં સમાન ૧.૩૮ ઇંચ વરસાદ નોંધાયો : ખેડૂતો ચિંતામાં

ગાંધીનગર : રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, તારીખ ૧૧/૦૫/૨૦૨૫ સવારે ૬:૦૦ વાગ્યાથી તારીખ ૧૨/૦૫/૨૦૨૫ સવારે ૬:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સૌથી વધુ ૨.૮૩ ઇંચ વરસાદ વરસ્યો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, જૂનાગઢના માળિયા હાટીનામાં ૧.૭૭ ઇંચ, જામનગરના જામજોધપુરમાં ૧.૫૭ ઇંચ અને જૂનાગઢના માણાવદર તેમજ અમરેલીના ધારીમાં સમાન ૧.૩૮ ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના પોશીનામાં ૧.૧૮ ઇંચ અને મહેસાણાના કડીમાં ૧.૧૦ ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરના લાલપુરમાં ૧.૦૨ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત, સાબરકાંઠાના ઇડર, રાજકોટના લોધિકા અને અમરેલીના લાઠીમાં ૦.૬૭ ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના બાબરામાં ૦.૫૯ ઇંચ, મહેસાણાના વડનગરમાં ૦.૪૭ ઇંચ અને ગીર સોમનાથના તાલાલામાં પણ ૦.૪૭ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદરમાં ૦.૩૯ ઇંચ, કચ્છના માંડવીમાં ૦.૩૫ ઇંચ, મહેસાણાના વિસનગરમાં ૦.૨૪ ઇંચ અને અરવલ્લીના ભિલોડામાં પણ ૦.૨૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
કચ્છના અંજાર અને મહેસાણાના ખેરાલુ તેમજ સુરેન્દ્રનગરના ચોટીલા, જામનગરના ધ્રોલ અને પોરબંદરના રાણાવાવમાં ૦.૨૦ ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છના ભુજ અને પોરબંદર તેમજ જૂનાગઢના કેશોદમાં ૦.૧૬ ઇંચ વરસાદ વરસ્યો છે. અમરેલી શહેરમાં ૦.૧૨ ઇંચ અને કચ્છના મુંદ્રા તેમજ મહેસાણાના સતલાસણામાં સૌથી ઓછો ૦.૦૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે, કારણ કે આ સમયે ખેતરોમાં પાક તૈયાર હોય છે અને વરસાદથી પાકને નુકસાન થવાની સંભાવના રહે છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
