News of Monday, 12th May 2025
વડોદરાના બાપોદમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે માથાકૂટ : મહિલાની છેડતીના આક્ષેપ સાથે બે જૂથ વચ્ચે મારામારી
મંદિર પાસે બેસતા અસામાજિક તત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ: ઉશ્કેરાયેલા બન્ને જૂથો દ્વારા સામસામે પથ્થરમારો

વડોદરાના બાપોદમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે માથાકૂટ થઇ હોવાના અહેવાલ છે. વિજયનગર માળી મોહલ્લામાં એક મંદિર પાસે બેસતા અસામાજિક તત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપ કરવામાં આવતા બે જૂથો સામસામે આવી ગયા હતા. બોલાચાલી બાદ મારામારી થઇ હતી અને એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ સહિત કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના બાપોદ વિસ્તારમાં વિજયનગર માળી મહોલ્લા આવેલું છે. આ મહોલ્લામાં એક મંદિર છે. મંદિર પાસે કેટલાક અસામાજિક તત્વો બેસે અને મહિલાઓની છેડતી કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાના આક્ષેપ બાદ એકજ કોમના બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બની હતી અને વાત મારામારી સુધી પહોંચી હતી.
ઉશ્કેરાયેલા બન્ને જૂથો દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ સહિત કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. પથ્થરમારાના પગલે વિસ્તારમાં અફરાતફરી મચી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્ત અવસ્થામાં મહિલા અને નાગરિકો બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
