<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

કડીમાં વરસાદના પગલે થોળ રોડ પર અન્ડરપાસમાં ભરાયેલ પાણીમાં સ્કોર્પિયો સહીત ચાર વાહન ગરકાવ : ચાલકનું મોત

અન્ડરપાસમાંથી પસાર થઇ રહેલા માટી ભરેલું ડમ્પર, સ્કોર્પિયો કાર સહિતના ચાર વાહન પાણીમાં ફસાઇ ગયા: ફાયર વિભાગ અને સ્થાનિકો દ્વારા છ લોકોને રેસ્ક્યૂ કરાયું

મહેસાણા જિલ્લાના કડીમાં વરસાદના પગલે થોળ રોડ પર આવેલા અન્ડરપાસમાં પાણી ભરાઇ ગયા હતા. અન્ડર બ્રિજમાં ભરાયેલા પાણીમાં એક ડમ્પર અને સ્કોર્પિયો કાર સહિત ત્રણેક જેટલા વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. જેમાં સ્કોર્પિયો ચાલકનું મોત નીપજ્યું છે. જ્યારે પાણીમાં ફસાયેલા અન્ય લોકોને ફાયર બ્રિગેડ અને સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, કડીમાં થોર રોડ પર અન્ડર બ્રિજ બનાવવામાં આવેલો છે. જેમાં ગઇકાલે પડેલા કમોસમી વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઇ જતાં બેરિકેડ મુકવામાં આવ્યા હતા પરંતુ કોઇએ હટાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે. જેથી પાણી ભરાયું હોવાની વાતથી અજાણ અન્ય વાહન ચાલકો ત્યાંથી પસાર થયા હતા. આ અન્ડરપાસમાંથી પસાર થઇ રહેલા માટી ભરેલું ડમ્પર, સ્કોર્પિયો કાર સહિતના ચાર વાહન પાણીમાં ફસાઇ ગયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ અને સ્થાનિકો દ્વારા છ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જોકે સ્કોર્પિયો કારના ચાલકનું આ બનાવમાં મોત નીપજ્યું હતું. મૃતક કડી તાલુકાના મેડાઆદરજ ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. ફાયર વિભાગ અને સ્થાનિકો દ્વારા પાણીમાં ફસાયેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા હતા.

(12:02 PM IST)