News of Monday, 12th May 2025
પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન
રાજયસભાનાં પૂર્વ સાંસદ અને જુનાગઢ જનસંઘ-ભાજપના સ્થાપક સભ્ય સ્વ. સૂર્યકાંતભાઇ આચાર્યના ધર્મપત્નિ : રાજેશભાઇ ચુડાસમા, દિલીપભાઇ સંઘાણી, સંજયભાઇ કોરડીયા, ધર્મેશ પોશીયા, ડોલરભાઇ કોટેચા, મહેન્દ્રભાઇ મશરૂ, ડી. પી. ચીખલીયા સહિતના મોટી સંખ્યામાં રાજકીય, સામાજીક આગેવાનો, કાર્યકરો દ્વારા પુષ્પાંજલી અર્પણ

વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :.. જુનાગઢ જનસંઘ અને ભાજપના સ્થાપક સભ્ય સ્વ. સૂર્યકાન્તભાઇ આચાર્ય (પૂર્વ સાંસદ રાજયસભા) ના ધર્મપત્ની ગુજરાત રાજયના પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય (ઉ.વ.૯પ)નું અવસાન થતા તેમના પાર્થિવદેહને અંતિમ દર્શનાર્થ મુકવામાં આવેલ અને સાંજે તેમના નિવાસ સ્થાન આસ્થા એપાર્ટમેન્ટ જલારામ સોસાયટી ખાતે ભાજપના આગેવાનો સાંસદ રાજેશભાઇ ચુડાસમા ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, મેયર ધર્મેશ પોશીયા, ડે. મેયર આકાશ કટારા, ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, દિલીપભાઇ સંઘાણી, ડો. ડી. પી. ચિખલીયા, ભરત ગાજીપરા, અશોક ભટ્ટ, માજી ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, ભીખાભાઇ જોષી, મનન અભાણી તેમજ અકિલા પરિવારના બહેન શ્રી મીનાબેન ચગ સહિતે હેમાબેનને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં. બાદમાં અંતિમ યાત્રામાં હેમાબેનના પુત્ર ધ્રુવકમાર ભાવનાબેન, મેહુલકુમાર નાલંદાબેન શિવરાજભાઇ તેમજ મહેશભાઇ સુરેશભાઇ, સુધાબેન સહિતના એ અંતિમ યાત્રામાં જોડાય કાંધ આપી હતી. અને ભાજપના કાર્યકર્તા આગેવાનો તેમજ સર્વપક્ષીય આગેવાનો અંતિમ યાત્રામાં જોડાયા હતાં. અને હેમાબેનને ભાવભીની અંતિમ વિદાય આપી હતી. હેમાબેનના નિધનના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના પુત્ર ધ્રુવ આચાર્ય સાથે ટેલિફોનીક વાત કરી સાંત્વના આપી હતી.
હેમાબેનના જીવન વિશે મળતી વિગતો મુજબ તેમનો જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૩૩ માં સુરેન્દ્રનગરના જીલ્લાના હળવદ ગામે થયો હતો. પિતા જયદેવભાઇ દવે, શાળા અધિકારી હતા. વર્ષ ૧૯પ૧, પર માં પિતાની વિરમગામથી જૂનાગઢ બદલી થઇ સ્વ. હેમાબેન પણ ૧૯પર થી ૧૯પ૭ સુધી જુનાગઢ એ. જી. સ્કુલ ગર્વમેન્ટ ગર્લ્સ હાઇસ્કુલમાં શિક્ષીકા તરીકે નોકરી સાથે બી. અ.ે સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું. વર્ષ ૧૯પ૭ માં સુર્યકાન્તભાઇ સાથે તેમના લગ્ન થયા હતાં. લગ્નમાં ૪ થી ૬ મહિના દરમિયાન જ જુનાગઢ નગરપાલિકાની ચૂંટણી આવી હતી. વર્ષ ૧૯પ૮માં જનસંઘના દિપક નિશાન પર કુલ ૬ સીટો જીત્યા અને એક બિનહરીફ સીટ મળી હતી. ૧૯પ૮ થી ૧૯૭ર સુધી ગુજરાત જનસંઘ વર્કીંગ કમીટીના સભ્ય પણ રહ્યા હતાં. વર્ષ ૧૯૬૯ થી ૧૯૭૧ સુધી ઓલ ઇન્ડીયા જનસંઘ વર્કીંગ કમીટીના ગુજરાતના એકમાત્ર મહિલા સભ્ય તરીકે કામગીરી કરી દિલ્હી, પટણા, જયપુર, ઇન્દોર સહિતના સ્થળો પર ૩ માસની બેઠકો મળતી તેમાં હાજરી આપતા.
વર્ષ ૧૯પ૯માં શાળા સમિતિના ચેરમેન રેડોક્રોસ સમિતિના ચેરમેન તરીકે પણ તેઓ એ ફરજ બજાવી હતી. વર્ષ ૧૯૭પ માં જુનાગઢ વિધાનસભામાં ભારતીય જનસંઘના નિશાન પર કોંગી ઉમેદવારને હરાવી જીત્યા ત્યારે જૂનાગઢ ધારાસભા પર પ્રથમ વિજય જનસંઘનો હતો.
જનતા મોરચાની સંયુકત સરકાર બની ત્યારે તેઓ આરોગ્ય વિભાગ બાળ કલ્યાણ વિભાગના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આરોગ્ય મંત્રી બન્યા બાદ જૂનાગઢ સીવીલ હોસ્પીટલને અદ્યતન સાધન સામગ્રી સજજ બનાવવાની કામગીરી પણ તેમણે કરી હતી.
સ્વ. હેમાબેન આચાર્યની સાંજે જુનાગઢના શ્રી ભુતનાથ મહાદેવ મંદિરે પ્રાર્થનાસભા
જુનાગઢઃ જનસંઘના અને ભાજપના સ્થાપક સભ્ય તે સ્વ. સુર્યકાંતભાઇ આચાર્ય (પુર્વ સાંસદ રાજયસભા)ના ધર્મપત્નિ તે ગુજરાત રાજયના પુર્વ આરોગ્યમંત્રી હેમાબેન સુર્યકાંતભાઇ આચાર્ય કે જેઓ ધ્રુવકુમાર સુર્યકાંતભાઇ આચાર્યના માતૃશ્રી, ભાવનાબેન ધ્રુવકુમાર આચાર્યના સાસુ, મેહુલકુમાર, નાલંદાબેન, શિવરાજભાઇના દાદી, મહેશભાઇ કનુભાઇ આચાર્ય, સુરેશભાઇ તથા સુધાબેનના કાકીનું તા. ૧૧-૦પ-ર૦રપ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
બેસણું/પ્રાર્થનાસભા આજે તા. ૧ર ને સોમવારે સાંજે ૪ થી ૬ ભુતનાથ મહાદેવ મંદિર, ભુતનાથ સત્સંગ હોલ, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
