<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે યુવા પ્રોબેશ્નરી આઈએએસ અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂક પામનારા અધિકારીઓએ કાર્યભાર સંભાળતા પહેલા મુખ્યમંત્રીનું માર્ગદર્શન મેળવ્યું

ગાંધીનગર : ૨૦૨૪ની બેચના ગુજરાતને ફાળવાયેલા ૮ યુવા પ્રોબેશ્નરી આઈએએસ અધિકારીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ યુવા અધિકારીઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે, જેમાં ખેડા, અમરેલી, કચ્છ, રાજકોટ, ભરૂચ, તાપી, બનાસકાંઠા અને પંચમહાલનો સમાવેશ થાય છે.
પોતાના નિયુક્ત જિલ્લાઓમાં કાર્યભાર સંભાળતા પહેલા આ યુવા આઈએએસ અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી અને તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું.
મુખ્યમંત્રી પટેલે આ પ્રોબેશ્નરી આઈએએસ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત દેશના વિકાસ માટે એક રોલ મોડેલ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ યુવા અધિકારીઓને જનસેવાની જે વિશેષ તક મળી છે, તેનો ઉપયોગ કરીને તેઓ અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપશે અને રાજ્યને નવી ઉંચાઈઓ પર લઈ જશે.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, વહિવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ હારીત શુક્લ અને મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

 

(2:20 PM IST)