News of Monday, 12th May 2025
નિકોબાર દ્વીપસમુહ અને આંદામાનના દરિયામાં ૨૪ કલાકમાં ચોમાસાના શ્રીગણેશઃ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તાપમાન ક્રમશઃ વધશે
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૩ થી ૧૯મે સુધીની આગાહીઃ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં કાલથી વાતાવરણ ચોખ્ખું બનશે

રાજકોટઃ નિકોબાર દ્વીપસમુહ અને અંદામાનના દરિયામાં ૨૪ કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના શ્રીગણેશ થઈ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ બનશે. ફરી ધીમે-ધીમે ગરમીમાં વધારો થશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે ગત આપેલી આગાહી મુજબ આજનો દિવસ છુટાછવાયા ઝાપટાની શક્યતા છે. ઓવરઓલ તા.૫ થી ૧૨ મે સવાર સુધીમાં ૧ ઈંચથી ૮ ઈંચ વરસાદ પડયો. તે અનુસંધાને સાવરકુંડલામાં ૨૦૮ મી.મી. કુલ વરસાદ પડયો હતો. જ્યારે રાજકોટ કુલ ૨૮ મી.મી પડયો છે. તાપમાન એક-બે દિવસ નોર્મલથી ૧૨ થી ૧૩ ડીગ્રી નીચુ ગયેલ.
ગઈકાલે મહત્તમ તાપમાન રાજકોટ ૩૬.૪ (૪ાા નીચુ નોર્મલથી) ડીસા ૩૮ (નોર્મલથી ૨ાા ડીગ્રી નીચુ) અમદાવાદ ૩૬.૬ (નોર્મલથી ૫ ડીગ્રી નીચુ), ગાંધીનગર ૩૭ (નોર્મલથી ૪ાા ડીગ્રી નીચુ) નોંધાયેલ. આમ ઓવરઓલ ૨ થી ૫ ડીગ્રી તાપમાન નીચુ રહેલ.
એક અપરએર સાયકલોનીક સરકયુલેશન અરબી સમુદ્રમાં છે અને તેનો ટ્રફ સૌરાષ્ટ્ર સુધી લંબાય છે. ૩.૧ કિ.મી.ના લેવલે છે. ૧૩મી આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ અંદામાન નિકોબાર દ્વીપસમુહ અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના અમુક ભાગોમાં આગળ વધશે. અને આવતા દિવસોમાં દક્ષિણ અરબીસમુદ્રના થોડા ભાગો માલદીવ અને કોમરીન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડીના ભાગો, સમગ્ર અંદામાન નિકોબાર દ્વીપસમુહ, અંદામાનનો દરીયો, મધ્ય બંગાળની ખાડીના થોડા ભાગોમાં આગામી ચાર-પાંચ દિવસમાં આગળ વધશે.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૩ થી ૧૯ મે (મંગળવારથી સોમવાર) સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમય દરમિયાન પવન પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના ફૂંકાશે. આગાહીના પાછલા દિવસોમાં ક્યારેક દક્ષિણ દિશામાંથી ફૂંકાશે. પવનની ઝડપ ૧૨ થી ૨૦ કિ.મી., ઝાટકાના પવન ૨૫ થી ૩૦ કિ.મી.ના ફૂંકાશે. આકાશ તા.૧૩, ૧૪ના ચોખ્ખુ થશે. તા.૧૫ થી ૧૯ મે ક્યારેક ક્યારેક છુટાછવાયા વાદળા જોવા મળે.
હાલ ગુજરાતના મોટાભાગના સેન્ટરોમાં નોર્મલ મહત્તમ તાપમાન ૪૧ થી ૪૧ાા ડીગ્રી ગણાય. ડીસાનું ૪૦ાા ડીગ્રી, ભુજ ૩૯ ડીગ્રી નોર્મલ તાપમાન ગણાય. મહત્તમ તાપમાન હવે વધશે. જે નોર્મલ તરફ જશે. જે આવતા દિવસોમાં નોર્મલ અથવા નોર્મલ નજીક પહોંચશે.(૪૦.૨૪)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
