News of Monday, 12th May 2025
ગુજરાત ભવિષ્યના પડકારો માટે સજ્જ: યુવાનોને ‘ફ્યુચર રેડી’ બનાવવા અમદાવાદમાં ‘આઈ-ફેક્ટરી લેબ’ શરૂ
કૌશલ્યા યુનિવર્સિટી અને ભારત સરકારના સહયોગથી ઇન્ડસ્ટ્રી ૪.૦ની અદ્યતન ટેક્નોલોજીની તાલીમ અપાશે

ગાંધીનગરઃ ગુજરાતના યુવાનોને ઇન્ડસ્ટ્રી ૪.૦ જેવી ઉભરતી ટેકનોલોજીમાં કુશળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા અમદાવાદમાં આધુનિક ‘આઈ-ફેક્ટરી લેબ’ની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી આ લેબ અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સ્થાપિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ગુજરાત સતત નવીન અભિગમો અપનાવી રહ્યું છે. આ પહેલના ભાગરૂપે શરૂ થયેલી આ લેબ દ્વારા ગુજરાતના યુવાનોને રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), ડેટા એનાલિટિક્સ અને સાયબર-ફિઝિકલ સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજીની તાલીમ વિવિધ અભ્યાસક્રમો દ્વારા આપવામાં આવશે.
આ ‘આઈ-ફેક્ટરી લેબ’ ઇન્ડસ્ટ્રી ૪.૦ના અમલીકરણ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. અહીં સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ, આઈ.ઓ.ટી. અને રોબોટિક્સ સંબંધિત વિવિધ મોડ્યુલની તાલીમ આપવામાં આવશે. ઉત્પાદનના ઓર્ડરથી લઈને તેની ડિલિવરી સુધીની સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક થાય તે માટેની ટેકનોલોજીનું જ્ઞાન પણ આ લેબમાં આપવામાં આવશે. આનાથી ઉદ્યોગોમાં કાર્યરત માનવબળ આ નવી ટેકનોલોજીથી પરિચિત થશે. આ લેબનો મુખ્ય હેતુ વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા કર્મચારીઓને તાલીમ આપીને તેઓ આ ટેકનોલોજીને અપનાવે તે છે. આ ઉપરાંત, રાજ્યની વિવિધ શૈક્ષણિક અને ટેકનિકલ સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ અહીં તાલીમ આપવામાં આવશે, જેથી રાજ્યના ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબનું કુશળ માનવબળ મળી રહેશે અને રાજ્યના યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
આ પ્રયાસો માત્ર તાલીમ સુધી સીમિત નથી, પરંતુ રાજ્યમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉદ્યોગોનું માળખું ઊભું કરવાનું પણ મુખ્ય લક્ષ્ય છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીને સાકાર કરવામાં આ પહેલ એક સકારાત્મક ભૂમિકા ભજવશે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત આજે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ૪૦મા સ્થાને પહોંચી ગયું છે અને વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓમાં ભારતને એક મહત્વપૂર્ણ કડી બનાવવા માટે ઉદ્યોગો અને સાહસિકો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
