<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ડેડિયાપાડાના ખામ ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા 5 વર્ષથી અંધારપટ, લાઈટ જ નથી

વીજળીના પાવર વિના આંગણવાડીનો બોર/મોટર પણ શોભાના ગાંઠીયા સમાન: આંગણવાડી કેન્દ્રમાં બે- બે મીટર હોવા છતાં જવાબદાર અધિકારીઓને કારણે અંધારપટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલ ખામ ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર માં આંગણવાડી હેલ્પર બહેનનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૫ થી ૬ વર્ષથી લાઈટ નથી. સ્થાનિક જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. આ કેન્દ્રમાં આવેલ બોર - મોટર પણ વીજળી નાં કનેક્શન વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. આટલા બધા વર્ષો બાદ પણ હજુ સુધી આ આંગણવાડી કેન્દ્રમાં વીજળી નથી. જીઇબી નાં અધિકારીઓ દ્વારા બે - બે મીટર મૂકી આપવામાં આવેલ છે, પરંતુ કોઈ કારણોસર કનેક્શન તૂટી ગયેલ હતું. તો આજ સુધી જોડવામાં આવ્યું નથી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા અનેકવાર કેન્દ્ર ની મુલાકાત લેવા છતાં આજ સુધી કોઈની નજરમાં આ વીજ જોડાણ કેમ આવ્યું નથી તે પણ એક સવાલ ઉભો થાય છે.
આ આંગણવાડી કેન્દ્રનું બાંધકામ વર્ષ ૨૦૦૯-૧૦ માં કરવામાં આવ્યું છે, ત્યારબાદ રિપેર માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, છતાં કોન્ટ્રાકટરો અને સ્થાનિક અધિકારીઓની મીલીભગત થી રિપેર કામમાં વેઠ ઉતારવામાં આવી છે. અને હાલ પણ આંગણવાડી કેન્દ્ર ની તમામ બારીઓ તૂટેલી હાલતમાં છે. અને ધાભુ પણ લીકેજ થાય છે ત્યારે બાળકોને ચોમાસા માં ક્યાં બેસાડવા તે સવાલ ઉભો થયો છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ નો દુરુપયોગ થયો હોવાની પણ ચર્ચા સંભળાઈ છે. ત્યારે વિજિલન્સ તપાસ થાય તો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. લાગતા વળગતા  અધિકારીઓ દ્વારા આંગણવાડી કેન્દ્ર ની તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.


 

(11:11 PM IST)