News of Tuesday, 13th May 2025
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : કર્મચારીઓની રજાઓ પુનઃસ્થાપિત : ભારત-પાક. તણાવ ઘટતાં રાહત
કર્મચારીઓમાં ખુશીનો માહોલ : પરંતુ શરતો લાગુ : અનિવાર્ય પરિસ્થિતિમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે

અમદાવાદ, 13 મે 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવભર્યા માહોલ બાદ ગુજરાત સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરીને તાત્કાલિક ફરજ પર હાજર થવાનો આદેશ આપ્યો હતો. જોકે, 10 મેના રોજ બંને દેશો દ્વારા સીઝફાયરની જાહેરાત સાથે સ્થિતિ સામાન્ય થતાં, રાજ્ય સરકારે કર્મચારીઓની રજાઓ ફરીથી મંજૂર કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે અનિવાર્ય પરિસ્થિતિમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે. આ ઉપરાંત, રજા દરમિયાન તમામ કર્મચારીઓએ ફોન અને ઈ-મેલ દ્વારા સતત સંપર્કમાં રહેવું ફરજિયાત રહેશે.
આ નિર્ણય રાજ્યના તમામ સરકારી વિભાગો, બોર્ડ, નિગમો, પંચાયતો, મહાનગરપાલિકાઓ તેમજ સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓને લાગુ પડશે. અગાઉ, ભારત-પાકિસ્તાન તણાવને પગલે આ તમામ સંસ્થાઓના કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ, અનિવાર્ય સંજોગો સિવાય, તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી.
સરકારના આ નિર્ણયથી રાજ્યના સરકારી તંત્રમાં ફરીથી સામાન્ય કામગીરી શરૂ થવાની આશા છે, જોકે કર્મચારીઓએ હંમેશા તૈયાર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.

(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
